ટેરિફ વોર વચ્ચે ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ આજથી ચાર દિવસની ભારતની મુલાકાતે , ટેન્શન ઘટશે?
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન વચ્ચે જોરદાર ટેરિફ વોર ચાલી રહ્યું છે. બંને દેશ એકબીજા પર ટેરિફ વધારી રહ્યા છે ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાસરી એટલે ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની મુલાકાત વખતે જેડી વાન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે, જ્યારે હવે બંનેના એજન્ડાને લઈ વિવિધ ચર્ચા થઈ રહી છે. હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતના સંબંધો વધુ મજબૂત થાય એવી અપેક્ષા છે.
ઉષા વાન્સ મૂળ ભારતીય મૂળના છે
ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આજે પાટનગર દિલ્હી પહોંચશે અને તેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે આવે છે. વાન્સની સાથે તેમના બાળકો અને અધિકારીઓ પણ આવશે. આ મુલાકાત દરમિયાન દિલ્હી સિવાય જયપુર અને આગરા પણ જશે. પરિવાર સાથે દિલ્હી આવેલા જેડી વાન્સનું સ્વાગત ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે કર્યું હતું. બીજી મહત્ત્વની વાત એ છે કે જેડી વાન્સના પત્ની ઉષા વાન્સ ભારતીય મૂળના છે, જેમના માતાપિતા આંધ્ર પ્રદેશથી અમેરિકા ગયા હતા, ત્યાર બાદ ત્યાં સ્થાયી થયા હતા.
આજે વડા પ્રધાન સાથે મુલાકાત થશે
ભારત પધારેલા જેડી વાન્સની આ મુલાકાત સૌથી મહત્ત્વની માનવામાં આવે છે કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયામાં ટેરિફ વોર છેડેલું છે. ચીન સાથે છેડવામાં આવેલા ટેરિફ વોરની વચ્ચે જેડી વાન્સની ભારત મુલાકાત સાથે ટેરિફનો અંત અને નવા વેપાર-ઉદ્યોગોની તક ઊભી થઈ શકે છે. આજે જેડી વાન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા અને જ્યોપોલિટિક્સ મુદ્દે વાતચીત કરશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે આ મુલાકાત મહત્ત્વની છે.
2030 સુધીમાં વેપાર 500 અબજ પાર કરશે
ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં વધારો થઈ શકે છે, જ્યારે રાજન્યાયિક સંબંધો પણ વધુ સુધરશે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી પાર્ટનર છે, જેમાં દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીમાં 190 અબજ ડોલરની સપાટીએ રહ્યું છે. આ અગાઉ વડા પ્રધાન કાર્યાલયના અહેવાલ અનુસાર ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને કારણે બંને દેશના સંબંધો વધુ મજબૂત બનશે.
બંને દેશના વેપાર 2030 સુધીમાં વેપાર 500 અબજ ડોલર સુધી પહોંચશે, પરંતુ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે (આયાત પર ટેક્સ) ભારતને નુકસાન થઈ શકે છે, જેમાં ખેતી, ફૂડ, ઓટો પાર્ટસ, મશીનરી, મેડિકલ સાધનસામગ્રી અને સોનાચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે, તેથી આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.