જય અમરનાથઃ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી
હિંદુઓના પવિત્ર યાત્રાધામને ભારે વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. વરસાદને કારણે રસ્તાના મરમ્મતનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, તેથી આજથી યાત્રાને રોકી દેવામાં આવી છે. મરમ્મતનું કામકાજ પૂરું થયા પછી યાત્રા ફરી શરુ કરવામાં આવશે.
સુરક્ષાને લઈ તાત્કાલિક ધોરણે યાત્રા સ્થગિત કરાઈ
ભારે વરસાદને કારણે શ્રી અમરનાથ યાત્રાના રસ્તાનું તાત્કાલિક મરમ્મત કરવાની નોબત આવી છે, તેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી બાલતાલના રસ્તેથી કોઈ પણ યાત્રાળુને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. યાત્રા સંબંધમાં જરુરી માહિતી રેગ્યુલર અપડેટ કરવામાં આવશે, એમ કાશ્મીર રિજનના કમિશનર વિજય કુમાર બિઘુડીએ જણાવ્યું હતું.
પાંચ લાખથી વધુ લોકોએ દર્શન કર્યાં
ભારે વરસાદને કારણે શનિવારે પણ કોઈ યાત્રાળુની બેચને અમરનાથ માટે રવાના કરવામાં આવી નહોતી. હાલના તબક્કે અમરનાથ યાત્રા અંતિમ તબક્કામાં છે, તેથી મોટા ભાગના પ્રવાસીઓ સીધા બાલતાલના રસ્તે પહોંચી રહ્યા છે. શનિવારે 1,608 જેટલા પ્રવાસીએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કૂલ 5.10 લાખ લોકોએ બાબા અમરનાથના દર્શન કર્યાં છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે.
મધ્ય કાશ્મીરના બાલતાલમાં ભારે વરસાદ
કાશ્મીરમાં ભારે વરસાદને કારણે બાબા અમરનાથની યાત્રામાં અવરોધ ઊભો થયો છે. નિરંતર વરસાદને કારણે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલતાલના રસ્તે થનારી અમરનાથ યાત્રાના રોકવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરના પહલગામ અને મધ્ય કાશ્મીરના બાલતાલ એમ બંને રસ્તે ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી સુરક્ષાના ભાગરુપે યાત્રાને રોકવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બાબાના દર્શન માટે બાલતાલનું શોર્ટ ડિસ્ટન્સ
અહીં એ જણાવવાનું કે અમરનાથ યાત્રાના દર્શન કરવા જતી વખતે યાત્રાળુને રસ્તો પસંદ કરવાનો હોય છે. પહલગામથી ગુફાનું અંતર 32 કિલોમીટર છે, જ્યારે બાલતાલથી ગુફાનું અંતર 14 કિલોમીટર છે. મોટા ભાગના લોકો બાલતાલના રસ્તે અમરનાથના યાત્રા કરવાનું પસંદ કરે છે, જ્યારે પહલગામનો રસ્તો મુશ્કેલ છે. 29 જૂનથી શરુ થયેલી યાત્રાને હવે માંડ સાતેક દિવસ બાકી છે, જે 19મી ઓગસ્ટના પૂરી થશે.