52 દિવસમાં અમરનાથ યાત્રા સંપન્નઃ પાંચ લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન
શ્રીનગરઃ રક્ષાબંધનના પર્વ પર છડી મુબારકની પરંપરા સાથે પવિત્ર ગુફામાં ભવ્ય પૂજા સાથે અમરનાથ યાત્રા સંપન્ન થઈ છે. આ વર્ષે 5.12 લાખ ભક્તોએ અમરનાથના દર્શન કર્યા છે. આ સાથે દક્ષિણ કાશ્મીરના પવિત્ર પર્વતીય મંદિરની વાર્ષિક અમરનાથની યાત્રા બાવન દિવસમાં મોટા કોઈ વિઘ્ન વિના સંપન્ન થઈ. આ વર્ષે 5.12 લાખ ભક્તોએ અમરનાથમાં દર્શન કરવાની સાથે પંચતરણીથી પવિત્ર છડી મુબારકની સાથે મહંત સ્વામી દીપેન્દ્ર ગિરિ અંતિમ પડાવ પર પવિત્ર ગુફાએ પહોંચ્યા હતા.
દર વર્ષની પરંપરા અનુસાર પૂજાપાઠ સાથે બાબા અમરનાથના ભક્તોએ દર્શન કર્યા. 29 જૂનથી શરુ કરવામાં આવેલી અમરનાથ યાત્રા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સંપન્ન થઈ હતી. શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ છડી મુબારક સ્વામી અમરનાથજી અમર ગંગામાં પૂજન કર્યા પછી સવારે અગિયાર વાગ્યે પવિત્ર ગુફા પહોંચ્યા હતા. ભદ્રા સમાપ્ત થયા પછી બપોરે દોઢ વાગ્યે મુખ્ય પૂજાપાઠની વિધિ શરુ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચારની સાથે પરંપરાગત પૂજન કરવામાં આવ્યું હતું.
અમરનાથમાં પૂજાપાઠ કરનારા મહંતે કહ્યું હતું કે સવારે હર હર મહાદેવના જાપ શરુ કરવામાં આવ્યા હતા. છડી મુબારક સંઘ સવારે પંચતરણીથી રવાના થયો હતો તથા પહેલગામમાં રાતના કેમ્પમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ પહેલગામની લિદ્દર નદીના કિનારે આવતીકાલે પૂજાપાઠની સાથે વિસર્જન સાથે અમરનાથ યાત્રા સંપન્ન થશે. છડી મુબારક 14 ઓગસ્ટના શ્રીનગરના દશનામી અખાડાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
છડી મુબારકનું વિશેષ મહત્ત્વ
છડી મુબારકનું અમરનાથની યાત્રા માટે પણ વિશેષ મહત્ત્વ છે. છડીને શક્તિ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. અમરનાથની યાત્રામાં છડી મુબારકને ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું માનવામાં આવે છે, જ્યારે અમરનાથ યાત્રા છડી મુબારકને પવિત્ર ગુફામાં લઈ જઈને તેની પૂજા કરવામાં આવે છે, જે યાત્રા સુખરુપ સંપન્ન થવાનું પ્રતીક છે.
યાત્રા શરુ થયા પછી કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને સેના સાથેના ઘર્ષણ વચ્ચે અમરનાથમાં પર્વતીય બચાવ દળોની સાથે જમ્મુ કાશ્મીર પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. 52 દિવસની યાત્રામાં 1,300થી વધુ જરુરિયાતમંદ પ્રવાસીને મદદ કરી હતી, જ્યારે 20,000 લોકોને ઓક્સિજનની બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કુદરતી આફત વિના યાત્રા સંપન્ન થવાથી પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હતો.