અમરનાથ યાત્રા શરુઃ જાણો બાબા બરફાની અને કબૂતરની જોડીનું રહસ્ય?
દર વર્ષે કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગ અને અમરત્વ પ્રાપ્ત કરનાર કબૂતરની જોડી શ્રદ્ધાળુઓને આકર્ષે છે
પહલગામ હુમલા પછી અમરનાથ યાત્રાનો શુભારંભ થયો છે. દર વર્ષના ઉત્સાહ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકોની શ્રદ્ધામાં ઘટાડો થયો નથી, પરંતુ ડર અને સિક્યોરિટી મુદ્દે સવાલ છે. વાત અમરનાથ યાત્રાની કરીએ તો મહાદેવનું બરફનું સ્વયંભૂ શિવલિંગ થવાનું અને કબૂતર જોડીની રહસ્ય પણ અકબંધ છે, જેના આધારે સૌની શ્રદ્ધા પણ ટકેલી છે. એવું શું રહસ્ય છે એની વાત કરીએ.
શ્રાવણ મહિનાની પૂનમનું વિશેષ મહત્ત્વ
દર વર્ષે ભોલેનાથ બાબાની પવિત્ર ગુફામાં કુદરતી રીતે શિવલિંગ બને છે. બરફથી બનેલા શિવલિંગને બાબા બરફાની નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે જુલાઈથી પહેલા અઠવાડિયા અથવા અષાઢ પૂર્ણિમાને યાત્રાનો શુભારંભ કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં રક્ષાબંધને પૂરી થાય છે. એવું પણ માનવામાં આવે છે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે શિવલિંગ સંપૂર્ણ આકારમાં થઈ જાય છે.
કબૂતરની જોડીનું રહસ્ય શું છે
બાબા બરફાનીની ગુફામાં કબૂતરોમાં એક જોડી જોવા મળે છે. માન્યતા એ છે કે જ્યારે ભોલેનાથ આ ગુફામાં માતા પાર્વતીને અમરત્વની કથા સંભાળવી રહ્યા હતા ત્યારે આ કબૂતરની જોડીએ સાંભળી હતી, તેથી તેમને અમરત્વ પ્રાપ્ત થયું છે. માન્યતા એવી પણ છે શ્રદ્ધાળુઓ આ જોડીને જોઈ લે છે તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શનસમાન માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને રસ્તામાં આવનારા અનેક સ્થળોનું વર્ણન પણ કર્યું હતું અને આ કથાને અમરકથાના નામથી ઓળખવામાં આવે છે.

યાત્રા શરુ થઈ પણ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી
અમરનાથની ગુફામાં મહાદેવથી માતા પાર્વતીને મોક્ષનો રસ્તો બતાવ્યો હતો, તેથી આ ગુફાનું નામ અમરનાથ ગુફા રાખવામાં આવ્યું છે, જ્યારે ગુફામાં કબૂતરોની જોડી જોવા મળે છે એનું પણ રહસ્ય છે. હિંદુ ધર્મમાં અમરનાથ ગુફા મંદિરમાં એક પવિત્ર તીર્થ માનવામાં આવે છે, જેના દર્શનથી પુણ્ય મળે છે. આજથી અમરનાથ યાત્રાની શરુઆત થઈ છે, જ્યારે એક દિવસ પહેલા એક બેચને દર્શન માટે રવાના કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની શરુઆત સાથે આ વખતે રજિસ્ટ્રેશનમાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદો વધી છે.

આતંકવાદીઓનું પગેરું નહીં મળતા સસ્પેન્સ કાયમ
પહલગામમાં એ વાતનું સસ્પેન્સ અકબંધ છે કે બે-ત્રણ ચાર કે પાંચ આતંકવાદીએ 25 લોકોની નિર્મમ હત્યા કર્યા પછી એ લોકો હજુ સુધી મળ્યા નથી. ભારતની સિક્યોરિટી મુદ્દે ગંભીર અંગુલીનિર્દેશ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આતંકવાદીઓને સમર્થન આપનારા હજુ દેશમાં ગદ્દાર લોકોની સંખ્યા ઓછી નથી એટલું ચોક્કસ કહી શકાય. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે દર વર્ષની તુલનામાં આ વર્ષે મિલિટરી, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ સહિત અન્ય એજન્સી વધુ એલર્ટ રહેશે એ વાત નક્કી છે.
