February 13, 2026
ટોપ ન્યુઝનેશનલમુંબઈ

Alert: મુંબઈ-થાણે માટે આગામી 120 કલાક વરસાદનું જોખમ, Be alert

Spread the love


મુંબઈ, થાણે સહિત નાલાસોપારામાં પાણી ભરાતા જનજીવન પર અસર

મુંબઈઃ ઉત્તર ભારતમાં નિરંતર વરસાદ પડવાને કારણે તેની મધ્ય ભારત પર અસર જોવા મળી રહી છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. મુંબઈ સહિત કોંકણ, રાયગઢમાં ભારે વરસાદને કારણે એલર્ટ રહેવાની પ્રશાસન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં 100 મિલિમીટર કરતા વધુ વરસાદ પડવાનું જોખમ છે, જ્યારે શનિવાર અને રવિવારે પણ કૂલ મળીને 100 મિલિમીટર વરસાદ પડ્યો છે, જેથી અમુક ભાગોમાં વધુ ભારે વરસાદ પડવાનું જોખમ રહેશે, તેથી લોકોએ બિનજરુરી બહાર નહીં નીકળવાની તાકીદ કરી છે.
રવિવાર રાતથી મુંબઈ સહિત પરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે, જ્યારે થાણે-કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાર-ભાયંદરમાં પણ વધુ વરસાદ પડ્યો છે. રવિવારે સૌથી વધુ વરસાદ ટ્રોમ્બેના શાહજી નગર મ્યુનિસિપલ સ્કૂલમાં 155 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ નૂતન વિદ્યામંદિર, માનખુર્દ, આદર્શનગર, વરલીમાં પડ્યો હતો.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સંબંધિત એજન્સીને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા હતા. એસડીઆરએફ, જિલ્લા પ્રશાસન, પોલીસ, નગર પાલિકા વગેરે એજન્સીને નાગરિકોને તાકીદના ધોરણે મદદ કરવાનો આદેશ આપ્યો હતો.
બીજી બાજુ રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈમાં દાદર, હિંદમાતા, ટિળક રોડ, માટુંગા, કુર્લા તેમ જ થાણે અને પશ્ચિમ રેલવેમાં નાલાસોપારામાં નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમુક જગ્યાએ રહેવાસી વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા રોડ ટ્રાફિકને અસર થઈ હતી. ટ્રેનસેવા પર પણ રિસ્ટ્રિક્શન મોડમાં ચાલતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર ભારત માટે પણ હવામાન વિભાગ દ્વારા પૂર્વ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાનું જોખમ છે, તેમાંય વળી ખાસ કરીને કાંગડા (ધર્મશાલા), મંડી (સરકાઘાટ, ધર્મપુર, સલાપર, કોટલી, મંડી, સુંદરનગર), હમીરપુર (સુજાનપુર તિહરા, હમીરપુર), બિલાસપુર (સ્વારઘાટ, બિલાસપુર), ચંબા સોલન, શિમલા, સિરમૌર અને કુલ્લુનો સમાવેશ થાય છે.
દરમિયાન બંગાળની ખાડીથી ઉપરના ભાગમાં ચક્રવાતી દબાણને કારણે ઓડિશા રાજ્ય સહિત અન્ય વિસ્તારોમાં વરસાદનું જોખમ છે. મલકાનગરી જિલ્લામાં 7,300થી વધુ લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 111 પંચાયત અને 1,045 ગામના લોકોને ભારે વરસાદથી અસર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!