એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર 450 કર્મચારીનું સિવિલ હોસ્પિટલ દ્વારા કરાયું સન્માન
અમુક સ્ટાફે તેમની ફરજના કલાક પુરા થતા ઘરે જવાનું કહેવા છતા પોતાની નૈતિક ફરજ ગણી બારથી ૨૪ કલાક કામ કર્યુ

અમદાવાદમાં પ્લેન ક્રેશને એક મહિના પછી સતત સેવા આપનારા કર્મચારીઓની તંત્રે નોંધ લઈને તેનું સન્માન કર્યું હતું. અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે ૧ મહિનો પૂર્ણ થયો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આજે સન્માન કર્યું હતું.

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બનાવને એક મહિનો પૂરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજના કલાકોની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતુ. જેના પ્રતાપે આખા બનાવ બાદ ઊભી થયેલી તમામ પરીસ્થિતિમાં જેમાં ઘાયલ લોકોની સારવાર તેમ જ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ડીએનએ સેમ્પલ લેવાથી માંડી તેમને ડેડ બોડી હેન્ડ ઓવર કરવાની કામગીરી સારી રીતે થઇ શકી.

આ આખા કરુણ બનાવ માં જે લોકો ઘાયલ થયા કે જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા એ દુખ ને તો આપણે ન લઇ શકીએ પરંતુ તે બાદ ની તમામ કાર્યવાહી માં મૃત્યુ પામનારના સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી તેમ ડો. જોશી એ જણાવ્યુ હતુ. આ સ્ટાફમાં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષમાં રાખવાથી લઇ તેને કોફીનમાં રાખી સગાને સોંપવા સુધી ની કામગીરી કરનાર વર્ગ-૪ના પીએમ વિભાગમાં કામ કરતા કર્મચારીથી માંડી દર્દીના સગા સાથે

શરુઆતથી અંત સુધી રહી તેમને સાંત્વનાની સાથે તેમના સ્વજનનુ પાર્થિવ શરીર સોંપાય ત્યાં સુધી તેમની સાથે રહેનાર પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી જે મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારી ઓ ની કામગીરી ને બીરદાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી વિષ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ગ -૩ અને વર્ગ ૪ ના કુલ ૪૫૦ જેટલા વિવિધ કર્મચારી ઓ ને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિવિલ સુપ્રિંટેંડેંટ ડો. રાકેશ જોષી ઉપરાંત બી જે મેડીકલ કોલેજના ડીન મીનાક્ષી પરીખ, એડીશનલ ડીન તેમ જ પીજી ડાયરેક્ટર ડો. ધર્મેશ પટેલ, ડો. રજનીશ પટેલ વિગેરેએ હાજર રહી આ તમામ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી.
