અમદાવાદ પોલીસ કમિશનરે ગરબા આયોજકો માટે જારી કરી ગાઈડલાઈન
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકો માટે અમદાવાદ પોલીસ કમિશનરે ગાઈડલાઈન જારી કરી છે. આ ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા આયોજકો સામે સખત પગલાં ભરવામાં આવશે. કમિશનરની ગાઈડલાઈનમાં જણાવાયું છે કે રાતના બાર વાગ્યા સુધી જ માઈક અને લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપી છે. એની સાથે ત્રીજીથી અગિયારમી ઓક્ટોબર દરમિયાન પોલીસ અમદાવાદ પોલીસ કમિશનરની હદના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરને ફક્ત ટિકિટ-પાસ અને પાર્ટી પ્લોટ-ક્લબ-થિયેટર હાઉસ સિવાય અન્ય કાર્યક્રમોમાં નવરાત્રિ ઉત્સવ સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
અમદાવાદના પોલીસ કમિશનરની ગાઈડલાઈન અનુસાર ગરબા આયોજિત કમિટી વતીથી એક જવાબદાર વ્યક્તિને નિયુક્ત કરવાનો નિર્દેશ કર્યો છે, જેમાં તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિત અન્ય જાણકારી આપવાની રહેશે. મહિલાઓ અને અન્ય લોકોની સુરક્ષા માટે સુનિશ્ચિત કરવાની રહેશે. આ ઉપરાંત, દારુ પીને કે અન્ય નશાનું સેવન કરનારા લોકોને ગરબા યા નવરાત્રિ સ્થળે અવરજવર કરવાનો પ્રતિબંધ રહેશે.
મંજૂરી પોલીસ કમિશનરની ઓફિસથી લેવાની રહેશે
ગાઈડલાઈનમાં જણાવ્યાનુસાર ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબ માટે રાસ-ગરબાના કાર્યક્રમો માટે લાઉડસ્પીકરની મંજૂરી પોલીસ સ્ટેશનમાંથી મળશે નહીં આવા કાર્યક્રમોની મંજૂરી માટે જોઈન્ટ પોલીસ કમિશનર અને ટ્રાફિક (લાઈસન્સ બ્રાન્ચ)ની ઓફિસથી લેવાની રહેશે.
એન્ટ્રી અને એક્ઝિટની જગ્યા અલગ રાખવી પડશે
પોલીસે આયોજકોને કહ્યું છે કે ગરબાનું આયોજન કરનારા લોકોને ગરબામાં ભાગ લેનારાની સુરક્ષા માટે એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ રાખવાના રહેશે. આયોજકોએ ગરબાના સ્થળથી 200 મીટર સુધી રસ્તા પર કોઈ ટ્રાફિક જામ થાય નહીં તેમ જ પાર્કિંગની કોઈ સમસ્યા ઊભી થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે વાહનને પાર્ક કરવામાં આવે તો પોલીસને જાણ કરવાની પણ અપીલ કરી છે.
12 વાગ્યા સુધી લાઉડસ્પીકર ચાલુ રાખજો નહીં તો કાર્યવાહી
પોલીસ સ્ટેશન યા જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ની કચેરીથી લાઉડસ્પીકરની મંજૂરી માટે અરજી માટે ભાડા પર લેવામાં આવનારી સાઉન્ડ સિસ્ટમની માહિતી અને એની સાથે સંબંધિત જવાબદાર વ્યક્તિનું નામ, ફોટો, આઈડી સાથે (ધ્વનિ પ્રદૂષણ) નોઈઝ પોલ્યુશન નિયમનું પાલન કરવાનું રહેશે. જોકે, રાતના 12 વાગ્યા પછી જો નિયમનું ઉલ્લંઘન થશે તો પોલીસ ઈન્સ્પેક્ટર આયોજક અને સાઉન્ડ સિસ્ટમના માલિકની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.