અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: બાહુબલી સ્ટીલ બ્રિજ તૈયાર
મેટ્રો ટનલ ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઈન્ડિયા’ સ્ટીલ બ્રિજ સ્થાપિત કરાયો
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલની ઉપર લગભગ 100 મીટર લાંબા મેક ઈન ઈન્ડિયા સ્ટીલ બ્રિજ તૈયાર કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કૂલ 17 સ્ટીલ બ્રિજમાંથ આ 13 સ્ટીલ બ્રિજ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન વાયડક્ટ 30થી 50 મીટર સુધીના સ્પાન બા સ્પાન સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં એનએચએસઆરસીએલએ સૌથી મોટા યાને બાહુબલી બ્રિજને ઈન્સ્ટોલ કર્યો છે, જે પડકારજનક કામ હતું, પણ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ કોરિડોર કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશનની વચ્ચેથી પસાર થનારી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલથી ઉપરથી પસાર થાય છે. બુલેટ ટ્રેનનું સ્ટ્રક્ચરથી કોઈ ભારણ આવે નહીં તેના માટે તેના પાયાને પણ દૂર રાખવામાં આવ્યા છે.
એના માટે સ્પાનની લંબાઈ લગભગ 100 મીટર સુધી વધારવાની જરુરિયાત હતી. પરિણામે બુલેટ ટ્રેન કોરિડોર અને મેટ્રોને બંનેને ધ્યાનમાં રાખીને આ સેક્શનમાં સુપરસ્ટ્રક્ચર કોન્ફિગરેશનને એસબીએસ વાયડક્ટથી સ્ટીલ ટ્રૂસ બ્રિજ તરીકે ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યો હતો.
આ સ્ટીલના બ્રિજને જમીનથી લગભગ 16.5 મીટરની ઊંચાઈ પર હંગામી ટ્રુસ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. એસેમ્બલ કરવામાં આવ્યા પછી હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા સપોર્ટસને હટાવવામાં આવ્યા હતા, જ્યારે બ્રિજને નીચે લાવીને સ્થાયી સપોર્ટ સિસ્ટમ બરાબર કર્યો હતો, જેથી સુરક્ષા અને સ્ટ્રક્ચરને મજબૂતાઈ પણ મળી શકે.
1098 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલનો બ્રિજ પશ્ચિમ રેલવે અમદાવાદ-સાબરમતી મુખ્ય લાઈન સમાંતર છે, જેની ઊંચાઈ 14 મીટર અને પહોળાઈ 15.5 મીટર છે. આ બ્રિજને મહારાષ્ટ્રના વર્ધામાં તૈયાર કરવામાં આવ્યો હતો, પછી ટ્રેલર મારફત સાઈટના સ્થળે લાવવામાં આવ્યો હતો. મુખ્ય સંરચનાના સંયોજનમાં સરળતા માટે સાઈટ પર 11.5 બાય 100 મીટરનું એક હંગામી પ્લેટફોર્મ બનાવ્યુ હતું.
આ સ્ટીલ બ્રિજ લગભગ 45,186 ટોર શિયર ટાઈપ હાઈ સ્ટ્રેંથ બોલ્ટ અને ઈલાસ્ટોમેરિક બેયરિંગથી બનાવ્યો હતો. બેસ્ટ ડ્યુરેબિલિટી માટે તેને સી5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેન્ટિંગનું કોટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુરત-બિલિમોરા વચ્ચે ઓએચઈ લગાવવાનું કામ ચાલુ છે. આ જ કોરિડોરમાં સૌથી પહેલા બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 સુધીમાં દોડાવવાની જાહેરાત કરી હતી.
