વિધાનસભાની ચૂંટણી પહેલા શિંદે જૂથના નેતાએ ઠાકરેની સેના માટે કર્યો મોટો દાવો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષોને પ્રચંડ જીત મળી, જ્યારે એની સામે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને અપેક્ષા પ્રમાણે બેઠકો મળી નહીં. એની સામે 2019ની તુલનામાં મહાયુતિને સૌથી મોટો ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના જોરે મહાવિકાસ આઘાડીના પક્ષો સાથે મળીને આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે આ મુદ્દે એકનાથ શિંદેની શિવસેનાના નેતા કિરણ પાવસ્કરે વિપક્ષી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મહાવિકાસ આઘાડીના પક્ષોની ઈચ્છા ફક્ત સત્તા પ્રાપ્ત કરવાની છે. મુખ્ય પ્રધાનપદ માટે બેથી ત્રણ ઉમેદવાર દાવેદાર છે.
એમવીએના નેતાઓની ટીકા કરતા પાવસ્કરે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં સફળતા માટે ફક્ત એમ ફેક્ટર (મુસ્લિમ)ને શ્રેય આપ્યો હતો. મહાવિકાસ આઘાડીના પક્ષો શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી) હવે એનો શ્રેય લેવા માટે હોડમાં છે. પાવસ્કરે કહ્યું કે દરેક પાર્ટીમાં મુખ્યપ્રધાન પદ સહિત અન્ય ટોચના પદો માટે બેથી ત્રણ નેતા હોડમાં છે. એનાથી એક વાત સ્પષ્ટ છે કે એમવીએના પક્ષોને લોકોની ચિંતા નથી પણ સત્તાથી નિસ્બત ધરાવે છે.
એમવીએની બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેની ગેરહાજરી મુદ્દે પણ પાવસ્કરે કટાક્ષ કર્યો હતો.
હાલમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો એમવીએના ખાતામાં 30 સીટ આવી હતી, જ્યારે મહાયુતિ ગઠબંધનના ફાળે 17 સીટ આવી હતી. 2019માં એકલા ભાજપના ખાતામાં 23 સીટ મળી હતી. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના સાત સીટ જીતી છે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ને ફક્ત એક બેઠક પર જીત મળી છે. પાવસ્કરે દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીએ સાથે મળીને 22 સીટ જીત્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની સેનાને કોંગ્રેસ-એનસીપી દગો કરશે એ વાત નક્કી છે. શિવસેના (યુબીટી)ના ઉમેદવારો મુસ્લિમ વોટથી જીત્યા છે, જ્યારે મરાઠી મતદારોએ તેમની અવગણના કરી છે અને એ હકીકતને યુબીટીએ સ્વીકારવી જોઈએ.
દરમિયાન મહાવિકાસ આઘાડીની બેઠકમાં ઉપસ્થિત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ તો ફક્ત શરુઆત છે અને વિપક્ષી ગઠબંધન આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતની પરંપરા જાળવી શકશે.n