બોલો, 7 વર્ષ સુધી પરફયુમ વાપરીને કંપનીએ કરેલા દાવા અનુસાર ફાયદો ના થતાં ગ્રાહકે કર્યો કેસ…
સામાન્ય પણે આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ કે ખરીદવાનું વિચારતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો તેની જાહેરાત જોઈને એ વસ્તુ માટે પોતાનો એક અલગ અભિપ્રાય બનાવતા હોઈએ છીએ. કંપનીઓને પણ ગ્રાહકોની આ નબળી નસ ખબર હોઈ તેઓ પણ ગ્રાહકોને લલચાવવા માટે જાતજાતની લલચામણી જાહેરખબરો બનાવતા હોય છે. પણ એક પરફ્યુમ બનાવતી બ્રાન્ડને આવું કરવાનું ભારે પડ્યું છે, કારણ કે એક વ્યક્તિએ પ્રોડક્ટની ભ્રામક જાહેરાત સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આવો જોઈએ શું છે આખી ઘટના-
મળી રહેલી માહિતી અનુસાર કંપનીએ પોતાની પરફ્યુમ પ્રોડક્ટનું માર્કેટ વધારવા લોભામણી જાહેરાતો રજૂ કરી હતી અને વૈભવ બેદી નામનો આ માણસ આ જાહેરાતથી એટલો પ્રભાવિત થયો કે તેણે પ્રોડક્ટ ખરીદી અને 7 વર્ષ સુધી તેનો ઉપયોગ પણ કર્યો, પરંતુ કંપનીએ જાહેરાતમાં જણાવ્યા અનુસાર ધાર્યું પરિણામ વૈભવને મળ્યું નહીં અને એને કારણે તેણે નિરાશ થઈને કંપની સામે ચીટિંગને માનસિક સતામણીનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો.
વૈભવે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘હું પ્રોડક્ટની જાહેરાતમાં દર્શાવેલ વિશેષતાઓથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તેની સુગંધથી જ છોકરીઓ આકર્ષિત થઈને તમારી તરફ ખેંચાઈ આવે છે. મેં લગભગ 7 વર્ષ સુધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, પરંતુ તેનાથી મને કોઈ એવો ફાયદો થયો નહીં. જેને કારણે મને મારી સાથે છેતરપિંડી થઈ છે એવું લાગે છે અને મને આને કારણે માનસિક ત્રાસ પણ થયો છે. તેથી મેં ન્યાય મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.’
હાલમાં સોશિયલ મીડિયા પર આ કેસને લઈને ખૂબ ચર્ચા થઇ રહી છે. એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે, હું ભગવાનનો અભાર માનું છું કે કોઈકે તો આખરે આ પ્રકારની ભ્રામક જાહેરાત સામે લડવાની શરૂઆત કરી. હું છેલ્લા 10 વર્ષથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યો છું. ફક્ત સુંગધ સારી છે!
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી જાહેરાતો વિરુદ્ધ કાયદો પસાર કરીને તેને અમલમાં મૂક્યો છે અને આ કાયદા હેઠળ જ જો કોઈ ભ્રામક જાહેરાતો રજૂ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે, તો તેને સજા કે દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.