July 1, 2025
નેશનલહોમ

Sunday Special: વંદે ભારત ટ્રેનની સેન્ચુરી પાર, ઇંતઝારી હવે વંદે મેટ્રોની..

Spread the love


સેમી હાઈ સ્પીડ યુગઃ દેશના 280 જિલ્લાને મળી ડાયરેક્ટ કનેક્ટિવિટી

નવી દિલ્હીઃ દેશના મહાનગરોને જોડવા માટે સુપરફાસ્ટ ટ્રેનના જમાનાથી એડવાન્સમાં આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેન લોન્ચ કરવાની યોજના સરકાર પાર પાડી રહી છે, જેમાં 2023-24 સુધીમાં ભારતીય રેલવેના નેટવર્કમાં 100 વંદે ભારત ટ્રેન દોડાવવાનું સપનું સરકારે સાકાર કર્યું છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે ત્રણ વંદે ભારત શરુ કરી હતી. આ સંબંધમાં અગાઉ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય રેલવેએ 2019થી 2024 સુધીમાં દેશમાં 100 વંદે ભારત ટ્રેન સહિત 772 વધુ ટ્રેન શરુ કરી. દેશમાં 100થી વધુ રેલવે રુટ્સમાં 100થી વધુ વંદે ભારત ટ્રેન દોડાવાય છે, જે એક રેલવેની સિદ્ધિ છે, પરંતુ વધતા અકસ્માતો ગંભીર વિષય છે.
વંદે ભારત ટ્રેન માટે 1,343 કરોડની ફાળવણી
દેશમાં વંદે ભારત ટ્રેનના નિર્માણ કાર્ય માટે 1,343 કરોડની ફાળવણી કરી છે, જેમાં છેલ્લે એકસાથે ત્રણ રાજ્યમાં શરુ કરી છે. દેશના 280 જિલ્લાને વંદે ભારત ટ્રેન કનેક્ટ કરે છે. શનિવારે તમિલનાડુમાં વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા આઠ થઈ છે. એ જ રીતે આ વર્ષના બજેટમાં કર્ણાટક માટે 7000 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે 2014ની સરખામણીએ નવ ગણું વધારે છે. અત્યારે 8 વંદે ભારત ટ્રેન કર્ણાટકમાં દોડાવવામાં આવે છે.
સેમી હાઈ સ્પીડ ટ્રેનથી સમયની બચત
યુપીમાં મેરઠ સિટી – લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર – નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ – બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે, જે પ્રવાસીઓની સુવિધામાં વધારા સાથે ખિસ્સાનું ભારણ વધશે.
ત્રણ રાજ્યને એકસાથે મળી વંદે ભારત ટ્રેન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. રાષ્ટ્રના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરીને આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મેરઠથી લખનઉ, મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઇલ વચ્ચે એમ ત્રણ માર્ગો પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ ટ્રેનથી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોને વધુ આરામદાયક મુસાફરી કરવાની તક ઉપલબ્ધ થશે.
દેશમાં 100થી વધુ વંદે ભારતનું સંચાલન
આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ સેવાઓનું સંચાલન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં આ ટ્રેનોમાં 3 કરોડથી વધારે લોકોએ મુસાફરી કરી છે. વંદે ભારત ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો ચહેરો છે. હાઈ-સ્પીડ ટ્રેનોના આગમનથી લોકોમાં તેમના વ્યવસાય અને રોજગાર અને તેમના સપનાને વિસ્તૃત કરવાનો વિશ્વાસ પેદા થયો છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
સ્લીપર વંદે ભારત ટૂંકમાં લોન્ચ કરાશે
વંદે ભારતની સાથે ‘અમૃત ભારત’ ટ્રેનોનું પણ વિસ્તરણ થઈ રહ્યું છે. વંદે ભારતના સ્લીપર વર્ઝનને ખૂબ જ ટૂંક સમયમાં ફ્લેગ ઓફ કરવામાં આવનાર છે. પ્રવાસીઓની સુવિધા માટે ‘નમો ભારત ટ્રેનો’ દોડાવવાની રેલવેની યોજના છે. ઉપરાંત, દેશના મહાનગરો અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં ‘વંદે મેટ્રો’ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!