નવી સરકારને જાણ કરો!: દૂધ પછી દહીંના ભાવમાં વધારો કરાયો…
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહિ પણ સાથી પક્ષોના જોરે સરકાર બનાવી દીધી. સરકાર માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં ભાવમાં વધારો થાય એને નિયંત્રણમાં રાખવાનો છે અને સરકાર અને વિપક્ષ માટે એ મુદ્દો મહત્વનો છે. સરકાર બન્યા પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પછી ટોલ ટેક્સમાં વધારો થઈ ગયો છે. દૂધના ભાવમાં પણ વધારો કર્યા પછી દહીંના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
દૂધ ઉત્પાદક અગ્રણી અમૂલએ ચૂંટણી પૂરી થયાના બીજા દિવસે દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. હવે દહીંના ભાવમાં વધારો કરાયો છે. સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે પણ સરકાર જાણે ક્યારે મોંઘવારી પર અંકુશ મૂકી શકસે?
અલબત્ત, ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દહીં, ચીઝ, માખણ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયગાળામાં અમુલ દ્વારા અમૂલ દૂધના ભાવમાં અનેક વખત વધારો થયો છે. આ વખતે દૂધના ભાવ એવા સમયે વધારવામાં આવ્યા છે, જ્યારે થોડા દિવસ પહેલા જ લોકસભાના છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું.
સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીના ભાગરૂપે સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થયું હતું. તેના એક દિવસ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો અને આજથી નવા ભાવ અમલમાં આવ્યા હતા. આ પહેલા અમૂલે છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દૂધના ભાવમાં ફેરફાર કર્યો હતો. એટલે કે એક વર્ષથી વધુ સમય પછી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આ વધારા પછી અમૂલ ભેંસ દૂધ, અમૂલ ગોલ્ડ મિલ્ક અને અમુલ શક્તિ દૂધના અડધા લિટર પેકેટના ભાવ અનુક્રમે 36 રૂપિયા, 33 રૂપિયા અને 30 રૂપિયા થઈ ગયા છે. અમૂલ દ્વારા વધારા બાદ મધર ડેરી, સુધા સહિત અન્ય ડેરી બ્રાન્ડ પણ દૂધના ભાવમાં વધારો કરી શકે છે.