લોકસભાના છેલ્લાં તબક્કાના પ્રચાર બાદ Prime Minister Modi કરશે આ ખાસ કામ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election-2024)ના છેલ્લાં તબક્કાના મતદાન પહેલાં તમિલનાડુની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાનમાં બેસશે. પીએમ મોદીનો કન્યાકુમારીનો આ પ્રવાસ 30મી મેથી પહેલી જૂન સુધીનો હશે. પીએમ મોદી 30 મેની સાંજથી પહેલી જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડપમ એ જ જગ્યાએ બાંધવામાં આવ્યો છે જ્યાં પહેલાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું.
આ અગાઉ 2019ની લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પણ પીએમ મોદી આ રીતે કેદારનાથ ગયા હતા અને ત્યાં તેઓ રુદ્ર ગુફામાં ધ્યાનમાં બેઠા હતા અને એ અગાઉ 2014માં તેઓ છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. આ વખતે લોકસભા ચૂંટણી-2024નું છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂના થશે.
પીએમ મોદીના ઓફિશિયલ પ્રોગ્રામની વાત કરીએ તો પીએમ મોદી પહેલાં 30મી મેના રોજ સવારે 11 વાગ્યે હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે અને ત્યાર બાદ તેઓ ત્યાંથી તામિલનાડુ માટે રવાના થશે. તેઓ તામિલનાડુમાં રાતવાસો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કન્યાકુમારી એ જ સ્થાન છે કે જ્યાં સ્વામી વિવેકાનંદને ભારતમા તાના દર્શન થયા હતા અને એવું પણ કહેવાય છે કે આ ખડકની સ્વામી વિવેકાનંદના જીવન પર ઊંડી છાપ જોવા મળી હતી. જે રીતે ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ સ્થાન છે, એ જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આ શિલા વિશેષ મહત્ત્વ ધરાવે છે. સ્વામી વિવેકાનંદ આખા દેશમાં ભ્રમણ કરીને અહીં પહોંચ્યા હતા અને ત્રણ દિવસની તપસ્યા કરીને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
હવે એ જ સ્થળે ધ્યાન ધરવાની પીએમ મોદીની ઈચ્છા સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના વિઝનને જીવંત બનાવવા માટેની PM નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા પણ છે કે દેવી પાર્વતીએ પણ આ જ સ્થાન પર એક પગ પર બેસીને ભગવાન શિવની પ્રતિક્ષા કરી હતી. અહીંયા તમારી જાણ માટે કે કન્યાકુમારી એ ભારતનો દક્ષિણ છેડો છે અને આ જ એ સ્થાન છે જ્યાં ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયા કિનારા મળે છે.
