હિંડનબર્ગ પછી હવે સેબીના ચીફ સામે અધિકારીઓએ કરી ફરિયાદ, માર્કેટમાં નવાજૂનીના એંધાણ
મુંબઈ: દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ દ્વારા માર્કેટમાં ગેર રીતિના દાવા પછી માર્કેટ નિયામક સેબીના વડા માધવી બુચ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા. આ આરોપોને માધવી બુચ એ ફગાવી દીધા હતા એના પછી સેબીના અધિકારીઓએ માધવી બુચ સામે ફરિયાદો નોંધાવી છે. આ ફરિયાદને લઈ દેશના ટોચના માર્કેટ નિયામક સેબી સંસ્થામાં વહીવટી કામગીરી બધી બરાબર ચાલતી નહિ હોવાના સંકેતો આપ્યા છે, જેથી માર્કેટમાં આગામી દિવસોમાં કંઈ નવાજૂની થાય તો નવાઈ રહેશે નહિ.
સેબીમાં ટોક્સિક વર્ક કલ્ચરની ફરિયાદ
સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના વડા માધવી બુચ સામે 500 જેટલા અધિકારીએ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને એક સામૂહિક પત્ર લખીને સેબીમાં ટોક્સિક વર્ક કલ્ચર ચાલી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. ઉચ્ચ અધિકારીઓને જાહેરમાં ધમક્કાવવા, અપમાન કરવા અને ઠપકો આપવાની વાત કાયમી બની ગઈ છે.
500 જેટલા અધિકારીની ફરિયાદ
માર્કેટ નિયામક સેબીમાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ મળીને લગભગ 1,000થી વધુ A ગ્રેડના લોકો કાર્યરત છે, જેમાંથી 500 જેટલા અધિકારીએ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયને ફરિયાદ કરી છે.
અશક્ય ટાર્ગેટ આપવાથી વર્ક લાઇફ પર અસર
માર્કેટની ટોચની સંસ્થામાં અધિકારીની પળેપળ હિલચાલ પરની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં અશક્ય ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે. ટોચના અધિકારીઓ પર દુર્વ્યવહારને કારણે તેમની કામગીરી સાથે માનસિક આરોગ્ય પર અસર પડી રહી હોવાનો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે.
દાવાઓને સેબીએ ફગાવ્યા પણ
માર્કેટમાં અમુક અધિકારીઓ સામે અનપ્રોફેશનલ વર્ક કલ્ચરની કરવામાં આવેલી ફરિયાદ સાચી નથી તેમ જ તમામ દાવાઓને નકારવામાં આવ્યા હતા. આ અગાઉ શોર્ટ સેલર હિંડનબર્ગે સેબીનાં ચેરમને માધવી બુચ અને પતિ ધવલ બુચ દ્વારા વિદેશી ભંડોળમાં રોકાણ કર્યું છે, જેનાથી ગૌતમ અદાણીની કંપનીમાં નાણાકીય લેવડદેવડમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.