અભિનેતા ગોવિંદાને ગોળી વાગતા હોસ્પિટલમાં કરાયો દાખલ…
જાણીતા અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાને લઈ ચોંકાવનાર સમાચાર મળી રહ્યા છે. અભિનેતા ગોવિંદા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા અચાનક ગોળી છૂટતા ગંભીર રીતે ઘવાયો હોવાના સમાચાર છે. ગોવિંદાને ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. ગોવિંદા જ્યારે પોતાની ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સવારના 4.45 વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. બહાર જતા પહેલા ગોવિંદા પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરની સફાઈ કરી રહ્યો હતો, પરંતુ ભૂલથી મિસફાયર થયું હતું. ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી. આ બનાવ પછી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે હાથમાં રિવોલ્વરમાંથી મિસ ફાયર થયું હતું. આ બનાવ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બનાવની નોંધ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ગોવિંદાને ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલે કોઈ જાણકારી આપી નથી.
ગોવિંદાના મેનેજરે કહ્યું કે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પોતાની લાઈસન્સી રિવોલ્વર હાથમાંથી છટકીને નીચે પડી ત્યારે અચાનક મિસ ફાયર થયું હતું. સદનસીબે બનાવમાં ગોવિંદાનો જીવ બચી ગયો અને પગમાં ગોળી વાગી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેની સ્થિતિ સ્થિર છે. આ મુદ્દે ગોવિંદાએ એક ઓડિયો ક્લિપમાં જણાવ્યું કે મને જે ગોળી વાગી હતી તે કાઢી લેવામાં આવી છે અને હું બરાબર છું.
ગોવિંદાના મેનેજરે વધુમાં જણાવ્યુ કે આ બનાવ બન્યો ત્યારે તેની પત્ની સુનીતા ઘરે નહોતી. તે તેના ઘરે કોલકાતામાં હતી. આ બનાવની જાણ થયા પછી સુનીતા મુંબઈ આવવા માટે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગોવિંદાની સાથે તેની દીકરી ટીના સાથે છે. આ બનાવની ખુદ ગોવિંદાએ જાણ કરી હતી, એમ મેનેજર શશી સિંહાએ જણાવ્યુ હતું.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ગોવિંદા 90ના દાયકામાં દિગ્ગજ અભિનેતા તરીકે ઓળખ મેળવી હતી. દૂલ્હે રાજા, હીરો નંબર વન, કુલી નંબર વન, રાજા બાબુ, પાર્ટનર, સાજન ચલે સુરાલ જેવી આઈકોનિક કોમેડી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, લોકપ્રિયતા મેળવ્યા પછી રાજકારણમાં જોડાયા હતા. માર્ચ મહિનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના પાર્ટી જોઈન કરી હતી.