શામળાજીથી દર્શન કરીને અમદાવાદ પરત ફરતી કારને નડ્યો અકસ્માત, સાતનાં મોત
અમદાવાદઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો. જિલ્લાના શામળાજી ખાતે કારને નડેલા ભીષણ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે એકની સ્થિતિ ગંભીર છે.
કારચાલકે સંતુલન ગુમાવતા ટ્રકમાં ઘૂસ્યો
હિમંતનગરના શામળાજીથી દર્શન કરીને અમદાવાદ તરફ પાછા ફરતા એક કારને અકસ્માત નડ્યો હતો. હિમંતનગરના મોડાસામાં કડવા પાટીદારની વાડી સામે ટ્રક અને કારનો અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોના મોત અને એકને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં એટલી ભીષણ ટક્કર વાગી હતી કે કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. કારમાં આઠ લોકો બેઠા હતા, જેમાં એક શખસ સિવાય બાકીના તમામ લોકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.
તમામ રહેવાસી અમદાવાદના
પોલીસે જણાવ્યું હતું કે હિંમતનગરમાં આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં શામળાજી તરફથી અમદાવાદ જતી કાર ધડાકાભેર એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ પ્રાથમિક ધોરણે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પીડિત મોટા ભાગના અમદાવાદના રહેવાસી છે. આ અગાઉ વડોદરા જિલ્લામાં એક પિકઅપ વાન અને એસયુવીની ટક્કરમાં 23 વર્ષના યુવકનું મોત થયું હતું.
રોડ અકસ્માતમાં વધારો ચિંતાજનક
અહીં એ જણાવવાનું કે દેશમાં 2022માં 4.6 લાખ રોડ અકસ્માત થયા હતા, જેમાં 1.68 લાખ લોકોના મોત થયા હતા, જ્યારે 4.43 લાખ લોકોને ઈજા પહોંચી હતી. જોકે, 2021ની તુલનામાં 11.9 ટકા અકસ્માતમાં વધારો થયો છે. એ જ રીતે અગાઉના વર્ષની તુલનામાં અકસ્માતમાં મોતને ભેટાનારાની સંખ્યામાં પણ 9.4 ટકાનો વધારો થયો હતો, જે ચિંતાજનક બાબત છે.
