મહારાષ્ટ્રમાં મહિલાએ એક ચાર બાળકને જન્મ આપ્યો, જાણો ગુજરાતનું કનેક્શન?
એક કરોડથી પચાસ કરોડ ડિલિવરીમાં ભાગ્યે જ બનતા કિસ્સાની અજાણી વાત જાણો
મહારાષ્ટ્રના સાતારા જિલ્લાની હોસ્પિટલમાં એક મહિલાએ એક સાથે બે નહીં, ચાર બાળકને જન્મ આપવાનો ચોંકાવનારો બનાવ બન્યો. ડોક્ટરના દાવા અનુસાર આ બહુ રેર કિસ્સો છે, કારણ કે એકસાથે ચાર બાળકને જન્મ આપવાની બાબત ભાગ્યે જ બને છે. 27 વર્ષની કાજલે સિજેરિયન ઓપરેશનથી એક સાથે ચાર બાળકને જન્મ આપ્યો છે
સાતારા જિલ્લાની હોસ્પિટલમાં કોરેગાંવ તાલુકાની રહેવાસી કાજલ વિકાસ ખાકુર્ડિયાએ ચાર બાળકને જન્મ આપ્યો હતો, જેમાં ત્રણ છોકરી અને એક દીકરો છે. પાંચ વર્ષ પછી બીજી વખત ડિલિવરી થઈ છે. ડોક્ટરે જણાવ્યું કે આ મામલો એટલા માટે ખાસ છે, કારણ કે આ મહિલા અગાઉ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. મહિલાએ શુક્રવારે સાંજના શ્વાસ લેવાની તકલીફ ઊભી થયા પછી પ્રસવ પીડાની ફરિયાદ કરી હતી, ત્યાર પછી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના ગર્ભમાં ચાર બાળક છે. તેની સ્થિતિ પૂરી તપાસ્યા પછી તાત્કાલિક સિજેરિયન કરવાનો નિર્ણય લીધો હતો. કાજલ મૂળ ગુજરાતની રહેવાસી છે. તેનો પતિ વિકાસ ખાકુર્ડિયા હાલમાં પુણે જિલ્લાના સાસવડ વિસ્તારમાં કામ કરે છે.
જિલ્લાના સિવિલ સર્જન ડોક્ટર યુવરાજ કારપે કહ્યું કે આ જટિલ સર્જરીમાં મહિલા ડોક્ટર નિષ્ણાત ડો. સદાશીવ દેસાઈ અને ડોક્ટર તુષાર માસરામની એન્સ્થેટિસ્ટ ડો. નિલમ કદમ, બાળ રોગ નિષ્ણાત ડો. દીપાલી રાઠોડ પાટીલ અને અન્ય સહયોગી સ્ટાફની મદદથી ઓપરેશન સફળ રહ્યું છે. આ સમગ્ર પ્રોસેસમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું.
ઓપરેશન સફળ રહ્યા પછી ડોક્ટરે કહ્યું હતું કે મહિલાએ ચાર બાળકને જન્મ આપ્યો છે, જેમાં માતા સાથે ચારેય બાળક સ્વસ્થ છે. તમામને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, આ પ્રકારના કિસ્સામાં કોમ્પ્લીકેશન સૌથી વધુ હોય છે, તેથી સાવધાની રાખવી પડે છે. આ કેસમાં ટીમવર્કને કારણે સુરક્ષિત ડિલિવરી થઈ હતી. જોકે, આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ખુશાલીના માહોલનું નિર્માણ થયું હતું.
આ સમાચારને કારણે મહારાષ્ટ્ર-ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લોકોમાં આશ્ચર્યનું મોજું ફેલાયું છે. આ ડિલિવરી ખાસ એટલા માટે છે, કારણ કે એક મિલિયનથી 50 મિલિયન ડિલિવરીમાં ફક્ત એક જ વાર આવું બને છે, તેમાંય વળી આ કિસ્સો અજોડ છે, કારણ કે મહિલાએ અગાઉ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, તેથી આ અલભ્ય વાત છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનના અજમેરમાં એક મહિલાએ ચાર બાળકને જન્મ આપ્યો હતો. અહીં એ જણાવવાનું કે અગાઉ પાકિસ્તાનની મહિલાએ સાત બાળકને જન્મ આપ્યો હતો, જ્યારે મોરક્કોમાં તો એક મહિલાએ એકસાથે નવ બાળકને જન્મ આપ્યો હતો.
