સુપરફ્લોપ ફિલ્મે રેલવેને કરાવ્યું હતું મોટું નુકસાન, જાણો કઈ હતી એક્શન થ્રિલર મૂવી…?
આવી જ ફિલ્મની વાર્તાના આધારે અનેક વિદેશી ફિલ્મો બનાવાઈ
1980ના વર્ષમાં મોટી સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ બહુ ગાજી હતી, પરંતુ બોક્સઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર તો પૈસા રળી શક્યા નહોતા, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ફિલ્મે તો ભારતીય રેલવેને મોટી ખોટ કરાવી હતી. વાત કરીએ મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મની. મહાભારત ટીવી સિરિયલના નિર્માતા બીઆર ચોપરાના પ્રોડક્શન હાઉસમાંથી બનાવવામાં આવી હતી એ ફિલ્મ.
બીઆર ચોપરાના પ્રોડક્શન હાઉસ અને રવિ ચોપરાના ડિરેક્શનમાં બનાવેલી ફિલ્મના કલાકારોમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જિતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી, નીતુ સિંહ અને ડેની ડેન્જપ્પા વગેરે કલાકારો હતા. એકથી એક ચઢિયાતા કલાકારો અને અભિનેત્રીઓને ફિલ્મમાં લેવામાં આવ્યા હોવાથી ફિલ્મ ચાલે એવી બધાને અપેક્ષા હતી, પરંતુ ફિલ્મ સુપરફલોપ રહી હતી. એટલું જ નહીં, આ ફિલ્મના શૂટિંગને કારણે ભારતીય રેલવેને સૌથી મોટું નુકસાન થયું હતું.
ષડયંત્રનો ભાગ બનતા ટ્રેનમાં લગાવાઈ હતી આગ
હજુ તમારા મગજમાં જો ફિલ્મનું નામ આવ્યું ના હોય તો જણાવી દઈએ ફિલ્મ હતી ધ બર્નિંગ ટ્રેન. આ એવી ફિલ્મ હતી કે જે ફિલ્મનું શૂટિંગ લગભગ ટ્રેનમાં કરવામાં આવ્યું તું, જ્યારે ટ્રેનની સ્ટોરી પણ એવી કંઈક હતી કે ટ્રેનમાં એક ષડયંત્રના ભાગરુપે આગ લગાવી દેવામાં આવે છે અને ટ્રેનની બ્રેક જામ કરી દેવામાં આવે છે, ત્યાર પછી ફિલ્મના કલાકારોની આસપાસ સ્ટોરી ઘૂમ્યા કરે છે અને વાર્તાના અંતમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. ફિલ્મના ગીતો બહુ ગાજ્યા હતા, પરંતુ આ ફિલ્મની વાર્તા કંઈક લોકોને ગમી નહોતી અને ફ્લોપ રહી હતી. આ ફિલ્મ રેલપ્રેમીઓને તો યાદ રહી ગઈ હતી.
આખી ટ્રેન ભાડાં પર લેવામાં આવી હતી
ધ બર્નિંગ ટ્રેનમાં આગની સ્પેશિયલ ઈફેક્ટ્સ દર્શાવવામાં આવી હતી. એંસીના દાયકામાં સ્પેશિયલ ઈફેક્ટસ માટે હોલીવુડમાંથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. ટ્રેનની આગના દૃશ્યોમાં સ્પેશિયલ ઈફેક્ટસ એવી આપી હતી કે વાસ્તવિક લાગે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હતી. મીડિયાના અહેવાલ અનુસાર ફિલ્મના પ્રોડ્યુસર્સે ભારતીય રેલવે પાસેથી ટ્રેન ભાડા પર લેવામાં આવી હતી. શૂટિંગ વખતે ફક્ત ટ્રેનને જ નહીં, પણ રેલવેની પ્રોપર્ટીને નુકસાન થયું હતું. રેલવેએ જ્યારે પ્રોડયુસર્સ પાસેથી પૈસા માગ્યા તો નિર્માતાઓએ પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો. પોતાના કારણે નુકસાન થયું નહીં હોવાની દલીલના આધારે પૈસા ચૂકવ્યા નહોતા.
હોલીવુડની ફિલ્મ પરથી બનાવી હતી ફિલ્મ
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડની જાણીતી ફિલ્મ ધ ટાવરિંગ ઈન્ફર્નો પરથી બનાવી હતી. આ જ તર્જની અન્ય વિદેશી ફિલ્મોમાં 1975માં ધ બુલેટ ટ્રેન બનાવવામાં આવી હતી, ત્યાર બાદ 1985માં રનવે ટ્રેન, 1994માં સ્પીડ મૂવી આવી હતી. 2010માં હોલીવુડની ફિલ્મ અનસ્ટોપેબલ બનાવી હતી, જ્યારે છેલ્લે 2019માં ડી-રેલ્ડ એક થ્રિલર-હોરર ફિલ્મ આવી હતી, જેમાં અકસ્માત પછી ટ્રેન નદીમાં પડે છે.