નેપાળમાં ફરી થશે હિંદુ રાષ્ટ્રનું નિર્માણ, અરાજકતા માટે કોણ જવાબદાર?
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ અંધાધૂંધી, પૂર્વ રાજાનો યુવાનોને ટેકો અને રાજકીય અસ્થિરતા વચ્ચે ચીન-અમેરિકાની કૂટનીતિનો ખેલ
ભારતના પડોશમાં એક પછી એક દેશમાં આંદોલન પછી અંધાધૂંધી ફેલાઈ રહી છે. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને બળવાનું સ્વરુપ લીધું છે. પ્રદર્શનકારીઓએ નેતાઓને નિશાન બનાવ્યા, જેમાં શેર બદાહુર દેઉબા, ઝાલાનાથ ખનાલ અને પુષ્પકમલ દહલ પ્રચંડના ઘરે આગ લાગાવી હતી. પાટનગર કાઠમંડુ સિવાય અન્ય શહેરોમાં પ્રતિબંધના વિરુદ્ધમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે, જ્યારે પૂર્વ રાજાએ પણ યુવાનોને ટેકો આપ્યો છે. એટલે ફરી દેશમાં રાજાશાહી પરત ફરે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, પણ પરોક્ષ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને અમેરિકા પર કળશ ઢોળવામાં આવી રહ્યો છે.

નેપાળ હાલમાં સૌથી મોટા રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યાં કાઠમંડુની શેરીઓમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. ઉગ્ર થયેલા ટોળામાં અનેક લોકો દંગલનો ભોગ બન્યા હતા. ટોળાએ સંસદ ભવનથી લઈને નેતાઓના ઘરને ટાર્ગેટ બનાવ્યા હતા અને ઘરોને આગ લગાડી હતી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામા આપ્યા પછી પરિસ્થિતિ થાળે પડી રહી નથી. સેનાએ મોરચો સંભાળ્યા પછી વિદ્યાર્થી-યુવાનોને નેપાળના પૂર્વ રાજા પણ જાહેરમાં હવે ટેકો આપ્યો છે.
નવી પેઢીની વાચાને સમર્થન આપતા કહ્યું હતું કે સરકાર યુવાનોની સમજી શકી નથી અને તેમના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. યુવાનોએ કહ્યું છે જ્યાં સુધી સિસ્ટમમાં સુધારો અને જવાબદારી નહીં આવે, ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસી. આ જ કારણથી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)ના 21 સાંસદોએ પ્રદર્શનકારીઓને સમર્થન આપીને રાજીનામા આપ્યા છે. નેપાળના વડા પ્રધાન ઓલી દુબઈ ભાગી ગયા હોવાની પણ અટકળો કરવામાં આવી રહી છે.
પૂર્વ રાજાના નિવેદન સાથે સવાલ એ પણ ઊભો થયો છે કે હવે નેપાળ ફરી હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થશે. દુનિયાના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રમાં અગાઉની રાજાશાહીના અંત પછી નવી સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત છે કે અનેક નેતાઓને નિશાન બનાવ્યા, પણ પરિવારને પણ ટાર્ગેટ કર્યાં છે એ નેપાળ માટે કલંકની વાત છે. ભૂતકાળમાં રાજાશાહી સામે પણ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સવાલ એ છે કે જો રાજાશાહી નહીં આવી તો બાંગ્લાદેશના માફક નેપાળમાં વચગાળાની સરકારનું ગઠન થશે. અનેક સવાલોની વચ્ચે નેપાળમાં અરાજકતા માટે યુવાનો, સરકાર કે પછી વિદેશી તાકાતનો હાથ હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે.
નેપાળમાં કેટલાક સમયથી નેપો કિડ્સ અને નેપો બેબીઝના નામે વિરોધ ચાલી રહ્યો છે, તેમાંય વળી ચીનથી પાછા ફરેલા વડા પ્રધાન ઓલી વિરુદ્ધમાં અસંતોષ વ્યાપ્યો હતો. ચીન પછી ભારતની મુલાકાતે પણ આવવાના હતા, પરંતુ એના પૂર્વે આંદોલન આક્રમકમાંથી હિંસક બન્યું. બાંગ્લાદેશમાં થયેલા વિરોધ પ્રદર્શન પછી શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો અને ભારતનું શરણું લીધું હતું, પરંતુ ઓલીની માનસિકતા ભારત વિરોધી હોવાથી અહીંના શરણે આવવાની શક્યતા નથી.
ચીન સમર્થક ઓલી હોવાથી સરકારને ઉથલાવવા માટે અમેરિકાનો પડદા પાછળનો દોરીસંચાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેપી શર્માના નેતૃ્ત્વમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં બીઆરઆઈ પ્રોજેક્ટમાં જોડાવા માટે ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા. બીજી બાજુ અમેરિકાએ 50 કરોડ ડોલરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યું છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ પણ હતી કે આ વર્ષે ઓગસ્ટમાં ચીન અને ભારતે ઉત્તરાખંડના લિપુલેખ ખાતે વેપાર માર્ગ ખોલ્યો ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરતા ઓલીએ દાવો કર્યો હતો કે આ નેપાળનો હિસ્સો છે.
વચગાળાની સરકાર માટે સુશીલા કાર્કીને સમર્થન
નેપાળના રાજકારણમાં જોરદાર ટર્ન આવવાની ધારણાઓ છે, જેમાં હિંસા અને સંકટ વચ્ચે પૂર્વ પીએમે તો ભારત પર ઝેર ઓકવાનું શરુ કર્યું છે, જ્યારે ઝેન-ઝેડ આંદોલનકારીઓએ ઓનલાઈન બેઠક પણ બોલાવી હતી. ઓનલાઈન સભામાં 5,000થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને સમર્થન મળ્યું હતું. કાઠમંડુના મેયર બાલેન શાહને પોસ્ટર લીડર માનવામાં આવી રહ્યો છે, પરંતુ સુશીલા કાર્કીને હજારો લોકોનું લેખિતમાં સમર્થન મળી ચૂક્યું છે. સુશીલા કુર્કી, બાલેન શાહ સિવાય કુલમાન ઘિસિંગ, સાગર ઢકાલ અને હર્કા સમ્પાંગ વગેરે નામ પર પણ ચર્ચા થઈ છે, જેમાં રેન્ડમ વોટિંગ પણ કર્યું છે.
