Shilpa Shetty-Raj Kundra સામે વેપારીએ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, કોર્ટે આપ્યા તપાસના આદેશ
મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા (Bollywood Actress Shilpa Shetty And Husband Raj Kundra)ની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે કારણ કે મુંબઈના જ એક વેપારીએ ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં શિલ્પા અને રાજ સામે છેતરપિંડીનો આક્ષેપ મૂક્યો છે. આ મામલે સેશન્સ કોર્ટ દ્વારા વધુ તપાસનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
બીકેસી પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ અને આ વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને સેશન્સ કોર્ટે આ મામલે તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદી પૃથ્વીરાજ કોઠારીએ નોંધાવેલી ફરિયાદમાં તથ્ય હોઈ આ બાબતે વધુ તપાસ કરવામાં આવે અને જો કોઈ ઠોસ પુરાવા હાથ લાગે તો આઇપીસીની સંબંધિત કલમ હેઠળ એફઆઈઆર નોંધવાનું પણ સેશન્સ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
કોઠારીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર છે અને 2014માં તેમણે એક સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ રોકાણકારને ગોલ્ડ માટે અરજી કરીને અમુક રકમ ભરવાની હતી. મુદ્દત પુરી થતાં રોકાણકારને નક્કી કરેલા પ્રમાણનું સોનું આપવામાં આવશે. કોઠારીએ આ સ્કીમમાં 90,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને 2019માં તેની મુદ્દત પૂરી થતાં તેમને 5000 ગ્રામ સોનું આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી કોઠારીને એ સોનું મળ્યું નથી.
વકીલે કોર્ટમાં વધુમાં એવું પણ જણાવ્યું હતું કે 2020માં શિલ્પા અને રાજ કુંદ્રાએ તેમને એક પોસ્ટડેટેડ ચેક આપ્યો હતો અને એ યોજનાની મૂળ રકમનો ચેક હતો. આને કારણે કોઠારીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા (Shilpa Shetty And Husband Raj Kundra)એ પોતાનું વચન ન પાળ્યું હોઈ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કોઠારી દ્વારા કરવામાં આવ્યો છે.
