બિદડા સર્વોદય ટ્રસ્ટનો વિશ્વ વિક્રમ: 3 કલાકમાં 10 ગાયના કૃત્રિમ પગ બેસાડ્યાં
ચેરમેન વિજય છેડાના માર્ગદર્શનમાં ડૉ. મુકેશ દોશી અને ટીમે નોંધાવી અભૂતપૂર્વ કામગીરી
જનસેવા એ જ પ્રભુસેવા કહેવાય છે, પણ દેશ-દુનિયામાં મૂંગા જાનવરની રક્ષા અને સેવા કરવાના બહુ ઓછા સરનામા મળશે. ગુજરાતના કચ્છમાં બિદડા સર્વોદય ટ્રસ્ટે તો નવો જ વિક્રમ નોંધાવ્યો છે. કચ્છ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વિકલાંગ લોકો માટે ટ્રસ્ટની કામગીરી મૂલ્યવાન છે. આ કામમાં સોનામાં સુગંધ ભળે એવું કામ કર્યું છે. ટ્રસ્ટના નેજા હેઠળ વર્લ્ડ ડિસએબિલિટી ડે નિમિત્તે ત્રણ કલાકમાં 10 ગાયના કૃત્રિમ પગ બેસાડવામાં સફળતા મળી હતી.
શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જીવદયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ કામધેનુ ટ્રસ્ટના સહકારથી 10 ગાયને કૃત્રિમ પગ બેસાડવામાં સફળતા મળી હતી, જે એક વિશ્વ વિક્રમ બન્યો હતો. આ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ સત્તાવાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના ડાયરેક્ટર દ્વારા આપ્યું હતું. સંસ્થા દ્વારા આઠ કલાકથી ઓછા સમયમાં સૌથી વધુ ગાયોને પ્રોસ્થેટિક અંગો ફિટ કરવા માટે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.
આ કામગીરી ચેરમેન વિજય છેડાના જણાવ્યા મુજબ ડાયરેક્ટર ડોક્ટર મુકેશ દોશીએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.ત્રીજી ડિસેમ્બરના એક જ દિવસે ફક્ત ત્રણ કલાકમાં 10 ગાયના કૃત્રિમ પગ બેસાડ્યા હતા, જેમાં આઠ ગાયના પાછળના પગ અને બે ગાયના આગળના પગનો સમાવેશ થયો હતો. આ કામગીરીમાં ગાયને કોઈ પણ પ્રકારની ઈજા નહીં પહોંચી હોવાનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ડોક્ટર મુકેશ દોશીની ટીમમાં કૃત્રિમ અંગોનો નિષ્ણાત ડોક્ટર એચ પી કુબલનો સહકાર મળ્યો હતો તેમ જ જયા રિહેબિલિટેશનની ટીમ દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે ડોક્ટર દોશી છેલ્લા 45 વર્ષથી પોતાનું જીવન માનવ અને મુંગા જીવોની સેવામાં સમર્પિત કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં લાખો દર્દીઓની સેવા કરી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ છેલ્લા પાંચ દાયકામાં લાખો દર્દીઓને સારવાર આપી છે. 2001ના ભૂકંપ પછી શરુ કરવામાં આવેલા જયા રિહેબ સેન્ટરમાં પણ દર વર્ષે 60,000થી વધુ લોકો સારવાર લે છે.
