મહારાષ્ટ્રમાં ATSની મોટી કાર્યવાહી: આતંકી વિચારધારા ફેલાવતો શિક્ષક ઝડપાયો
મુંબઈના મુમ્બ્રા કોસામાંથી અલ-કાયદાની વિચારધારા ફેલાવતા ઈબ્રાહિમ આબિદીની ધરપકડ; પુણે કનેક્શન સામે આવ્યું
મુ્ંબઈઃ મહારાષ્ટ્રમાં એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ મુમ્બ્રા કૌસા ખાતે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એક શિક્ષકના ઘરે છાપામારી કરી છે. પ્રાથમિક તપાસમાં શિક્ષકની ઓળખ ઈબ્રાહિમ આબિદી તરીકે કરી છે, જ્યારે મુમ્બ્રા કોસા ખાતેના ભાડાના મકાનમાં રહે છે. દર રવિવારે કુર્લાની મસ્જિદમાં ઉર્દૂ ભણાવવા જતો હોવાનું જાણવા મળ્યું છે.
એટીએસે જણાવ્યું છે કે આબિદીની બીજી પત્ની કુર્લામાં રહે છે, જ્યારે તેની તપાસમાં એટીએસ દ્વારા ઘર પર છાપો મારવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આબિદી બાળકોને આતંકવાદી વિચારધારા માટે પ્રેરિત કરે છે અને દહેશતવાદી ગતિવિધિઓ માટે પ્રેરણા આપે છે. પોલીસની કાર્યવાહીમાં એટીએસના અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક ઉપકરણ અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલી સામગ્રીને તપાસ અર્થે મોકલવામાં આવી છે.
એવું કહેવાય છે કે પુણેમાં અલ-કાયદા સાથે સંકળાયેલા એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી સંદીગ્ધ સામગ્રી પકડાઈ હતી. આ જ કેસમાં પોલીસે મુમ્બ્રામાં કાર્યવાહી કરવામાં આવી છે. અલબત્ત, અગાઉ એટીએસે પુણેથી જુબૈર ઈલિયાસ હંગરગેકર નામના શખસની ધરપકડ કરી છે, જે અલ કાયદા ઈન ઈન્ડિયન (AQIS)ના સમર્થનમાં જેહાદનો પ્રચાર કરે છે અને દેશની એકતા-અખંડતા જોખમમાં મૂકવાનો આરોપ ઘડવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં કરેલા વિસ્ફોટ પછી કેન્દ્રીય તપાસ એજન્સી સિવાય તમામ સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર છે. આ વિસ્ફોટ પછી દેશમાં ઠેરઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે અગિયાર રાજ્યને હાઈ એલર્ટ આપ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં વધારાની સાથે એડિશનલ ફોર્સને પણ તહેનાત કરવામાં આવી છે.
