શિયાળાનું આ સ્વાદિષ્ટ ફળ બધા માટે લાભદાયી નથી, જાણી લો કોણે ભૂલથી પણ ખાવું ના જોઈએ…
ધીરે ધીરે દેશભરમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શિયાળાની ઋતુ આવે એટલે સિઝનલ ફ્રૂટ્સ, શિયાળામાં ખવાતી વાનગીઓ દેખાવવા લાગે છે અને આવા જ એક ફળ વિશે આજે આપણે વાત કરીશું. શિયાળામાં મળતું સ્વાદિષ્ટ ફળ સીતાફળ કે જેને આપણે કસ્ટર્ડ એપલ પણ કહી છીએ એ ઠેરઠેર બજારમાં જોવા મળે છે. પોષક તત્વોની ખાણ સીતાફળનું સેવન આમ તો સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પણ કેટલાક લોકો માટે તેનું સેવન જોખમી પણ બની જાય છે. આવો જોઈએ કોણે સીતાફળનું ભૂલથી પણ સેવન ના કરવું જોઈએ…
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર સીતાફળમાં વિટામિન સી, કેલ્શિયમ અને ફાઈબર સહિતના અનેક પોષક તત્વો જોવા મળે છે. જેને કારણે શિયાળામાં સીતાફળનું સેવન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. જોકે, તેમ છતાં કેટલાક લોકો એવા પણ છે કે જેમના માટે સીતાફળનું સેવન લાભદાયી નહીં પણ નુકસાનકારક સાબિત થાય છે. આ સ્ટોરીમાં આજે આપણે જાણીશું કે કોણે સીતાફળનું સેવન ના કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓઃ: ડાયાબિટીસના દર્દીઓએ સીતાફળનું સેવન બિલકુલ ના કરવું જોઈએ, કારણ કે સીતાફળમાં મોટા પ્રમાણમાં શુગર હોય છે અને એને કારણે લોહીમાં ઝડપથી બ્લડ શુગરનું પ્રમાણ વધી જાય છે. આ કારણે જ ડાયાબિટીસના દર્દીઓને સીતાફળનું સેવન નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
વજન ઘટાડતાં હોય એવા લોકોઃ જી હા, જે લોકો વજન ઘટાડવા માટે ડાયેટ વગેરે કરી રહ્યા હોય એવા લોકોએ પણ સીતાફળનું સેવન ના કરવું જોઈએ. સીતાફળમાં કેલરી અને શુગર બંને ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. આવી સ્થિતિમાં જો સીતાફળનું સેવન કરવામાં આવે તો વજન ઝડપથી વધી પણ શકે છે.
હાર્ટ અને કોલેસ્ટ્રોલના દર્દીઓએઃ જે લોકોને હાર્ટ સંબંધિત કે કોલેસ્ટ્રોલ સંબંધિત કોઈ સમસ્યા હોય એવા લોકોએ તો ભૂલથી પણ સીતાફળનું સેવન ના કરવું જોઈએ. વધારે પડતું સીતાફળ ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાનું હાર્ટ પર પ્રેશર આવવાની શક્યતાઓ વધી જાય છે.
ગર્ભવતી મહિલાઓએઃ જી હા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ સીતાફળનું સેવન કરવાથી બચવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં જો સીતાફળનું સેવન કરવામાં આવે તો ગર્ભવતી મહિલાને ઉલટી, ગેસ, પાચન સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. પરિણામે ગર્ભવતી મહિલાઓએ સીતાફળનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
એલર્જીક હોય એવા લોકોઃ સીતાફળને કારણે અમુક લોકોમાં એલર્જિક રિએક્શન જોવા મળી શકે છે. પરિણામે જે લોકોને એલર્જી હોય એવા લોકોએ સીતાફળ ના ખાવું જોઈએ. સીતાફળના સેવનથી ખંજવાળ આવવાથી, ફોલ્લી આવવી કે સોજા આવવી જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
