ગુજરાતમાં સરકાર ‘પાસ’ પણ મંત્રીઓ ‘નાપાસ’, કારણ શું?

ગુજરાતમાં 2022માં 156 સીટ પર જીત મેળવીને ફુલ મેજોરિટીમાં ભાજપે સરકાર બનાવ્યાના ત્રણ વર્ષમાં જ સરકારના ધાર્યા કામ થયા નહીં કે જે કર્યા એ કામ જનતાને ગમ્યા નથી, પણ ભૂપેન્દ્ર પટેલની ગાદી રહી ગઈ પણ બાકી ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓના કારણો જાણ્યા વિના રાજીનામા આપી દીધા અને આજે નવા મંત્રીઓ પાછા નવેસરથી રાજ કરશે, પણ એમાં સરકારની ક્યાંક ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની તૈયારીઓને કારણે દિલ્હીથી સંપૂર્ણ મંત્રીમંડળમાં નિર્ણય લેવામાં આવ્યો હશે, જેથી આજે નવી કેબિનેટ તૈયાર કરવામાં આવશે. કોને ટિકિટ મળે છે કોની ટિકિટ કપાશે એ જોવાનું રહ્યું, પણ મૂળ કારણોની ચર્ચા કરીએ.
નવા મંત્રીઓ માટે 3 વર્ષ અગ્નિપરીક્ષાના
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદે યથાવત રાખીને 16 મંત્રીએ રાજીનામા આપ્યા છે, જેમાં આઠ કેબિનેટ (કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયા) અને આઠ રાજ્યના મંત્રી છે. ઉપરાંત, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ)નો સમાવેશ થાય છે. આજે વધુ મંત્રી સાથે જમ્બો કેબિનેટ ભૂપેન્દ્ર પટેલને મળશે. નવી ફોજ માટે બીજા ત્રણ વર્ષ પણ અગ્નિપરીક્ષાના હશે એટલું નક્કી છે.
સરકારની ભૂલોનું ઠીકરું કોના પર ફોડે?
સરકારે મંત્રીમંડળમાં વિસ્તરણ કરવા માટે વિપક્ષની સાથે નિષ્ણાતો મનોમંથન કરી રહ્યા છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટી (આપ)એ સરકારની ટીકા કરવાનું બાકી રાખ્યું નથી, કહ્યું છે કે ભાજપના રાજમાં કેબિનેટ મંત્રીઓની પણ વેલ્યુ નથી. અચાનક રાજીનામા માગી લેવાયા. નિષ્ણાતો કહે છે કે જ્યારે પણ ભાજપને સત્તાવિરોધી લહેર જોવા મળે છે ત્યારે બીજા પર દોષારોપણ કરવામાં આવે છે, તેથી મંત્રીમંડળ વિસ્તરણ અને અત્યાર સુધીની તમામ સરકારોએ સરકારની ભૂલોનું ઠીકરું મંત્રીઓના માથે ફોડવાની કોશિશ કરે છે. આ અગાઉ ભાજપ અનેક પ્રયોગ કરી ચૂક્યું છે. 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રુપાણી અને એમના મંત્રીમંડળે પણ રાજીનામા આપ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ગાબડું પડવાના એંધાણ?
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છાશવારે અસંતોષ જોવા મળતો હોય છે. સૌરાષ્ટ્રના લોકોને લાગે છે કે તેમની ઉપેક્ષા કરવામાં આવે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિધાનસભ્યોને લાગે છે તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપરાંત, સૌરાષ્ટ્રમાં લેઉવુ પટેલમાં પણ નારાજગી જોવા મળે છે, જે દૂર કરવા માટે સરકાર એક્શનમાં છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડે નહીં એના માટે પણ સરકારે કમર અત્યારે કસી લીધી છે એ નક્કી છે.
આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ માથે છે
ત્રણ વર્ષ વિધાનસભાની ચૂંટણીના છે, પરંતુ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં નગર નિગમ અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ છે. વિસાવદર હોય કે બોટાડ કે પછી ઉત્તર ગુજરાતમાં સરકાર વિરોધી લહેરને કારણે બેલેન્સ મંત્રીમંડળ કદાચ સરકારને વધુ મજબૂત બનાવવામાં મદદરુપ બની શકે. હાલમાં જૂના મંત્રીઓ વિરુદ્ધ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે, તેથી નવા કદાચ પ્રાણ ફૂંકી શકે છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રી હતા. કૂલ 182 વિધાનસભ્યના ગૃહમાં 15 ટકા અથવા 27 મંત્રી બની શકે છે.
જાતિ અને ક્ષેત્રિય સમીકરણોને ધ્યાનમાં રખાશે
ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બર, 2022માં બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ હવે દિલ્હી હાઈ કમાન્ડ પણ ચમત્કાર કરાવવા ઈચ્છે છે. નવી કેબિનેટમાં જાતિ અને ક્ષેત્રિય સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાને તક મળી શકે છે. અહીં એ જણાવવાનું કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 156 સીટ જીત્યું હતું એના પછી કોંગ્રેસના વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા, જેનાથી કૂલ સંખ્યાબળ 162 થયું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં નગરપાલિકા-પંચાયત અને 2027માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે.
