વાક બારસ એ કરુણાની શરૂઆત છે, જ્યાં દિવાળીના પ્રકાશ પહેલાં સંવેદનાનો દીવો પ્રગટે
જાણો વાક બારસનો અર્થ, ઇતિહાસ અને આધુનિક યુગમાં તેનું મહત્ત્વ
ગુજરાતી પંચાગ પ્રમાણે આસો વદ બારસ એટલે વાક બારસ. વાસ્તવમાં વાક્નું અપભ્રંશ લોકોએ વાઘ કરી નાખ્યું છે, પણ વાક્ શબ્દનો અર્થ થાય વાણી, વાચા કે ભાષા. દિવાળીના તહેવારની શરુઆત હકીકતમાં વાઘ બારસથી થઈ જાય છે, પણ એનું મહત્ત્વ શું છે અને કોની પૂજા થાય છે એની વાત કરીએ.
દિવાળી પર્વની શરૂઆત વાક્ બારસથી
દિવાળીના પવિત્ર પર્વની શરૂઆત વાગ બારસથી થાય છે. ગુજરાતમાં દિવાળીનો પ્રથમ દિવસ ગણાતો આ તહેવાર ‘ગોવત્સ દ્વાદશી’ તરીકે પણ ઓળખાય છે. ‘વાક’ એટલે ગાય અને ‘બારસ’ એટલે દ્વાદશી તિથિ. આ દિવસે ગાય અને તેના વાછરડાનું પૂજન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવી છે કારણ કે તે માનવજાતને અન્ન, દૂધ અને જીવનનો આધાર આપે છે.
સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને ભગવત પુરાણમાં વાગ બારસની પાવન પરંપરાનો ઉલ્લેખ મળે છે. એક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળાઓને ગાયોના પૂજન અને સંરક્ષણનો ઉપદેશ આપ્યો હતો. બીજી કથા મુજબ દેવી લક્ષ્મીએ ગૌમાતા રૂપ ધારણ કરીને ભૂમિ પર સુખ અને સમૃદ્ધિ વરસાવી, તેથી આ દિવસે ગાયનું પૂજન કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થતું માનવામાં આવે છે.
ઉપવાસ અને અન્નત્યાગની પરંપરા
વાઘ બારસના દિવસે સ્ત્રીઓ ખાસ કરીને દૂધ અને અનાજથી બનેલા ખોરાકનો ત્યાગ કરે છે. આ ઉપવાસને ‘ગોવત્સ દ્વાદશી વ્રત’ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે અનાજ ખાવું એ ગૌમાતાની અવગણના સમાન છે, કારણ કે ગાય આપણને અન્નના સ્વરૂપમાં પોષણ આપે છે. આ રીતે ઉપવાસ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ગૌસેવાનાં પ્રત્યે કૃતજ્ઞતાનો પણ સંદેશ આપે છે
કૃષિ અને ગ્રામ્ય જીવન સાથેનો સંબંધ
વાઘ બારસનો તહેવાર કૃષિ સમાજ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ખેડૂતો આ દિવસે પોતાના પશુઓને આરામ આપે છે, તેમને ધોઈ-સાફ કરી, તિલક કરીને ઘાસ, મીઠાઈ અને જળ અર્પણ કરે છે. આ કૃતિ આપણા સમાજના પશુપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને પ્રતિબિંબિત કરે છે. ગૌસેવા અને પર્યાવરણ સંરક્ષણ બંને આ તહેવારના હૃદયમાં સમાયેલા છે.
આજના સમયમાં વાઘ બારસનો સંદેશ
આજના આધુનિક યુગમાં વાઘ બારસ આપણને યાદ અપાવે છે કે વિકાસ સાથે સહઅસ્તિત્વ જરૂરી છે. ગાય માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ પ્રકૃતિના સંતુલનનું કેન્દ્ર છે. જો આપણે ગૌમાતા અને પશુઓ પ્રત્યે કરુણાભાવ રાખીશું, તો સમૃદ્ધિ, શાંતિ અને સુખ આપોઆપ આપણા જીવનમાં આવશે. દિવાળીનો આ પ્રથમ દિવસ આપણને દયા, સંવેદના અને આભારનો પવિત્ર પાઠ શિખવે છે.
લે: “ह्रीं” ચિંતના શ્રી જી (ભક્તિ સૂરી સમુદાય)
