અગિયારસ એ દિવાળીનો દીવો છે, જે બહાર નહીં, અંદર પ્રગટાવવાનો છે…
અગિયારસનું પૌરાણિક મહત્ત્વ: પાપનાશક વિષ્ણુ ભક્તિ અને નવા વર્ષના શુભ કાર્યોનો પાયો
૧. દિવાળી પર્વની શરૂઆત અગિયારસથી
દિવાળી માત્ર પ્રકાશનો નહિ, પરંતુ શુદ્ધતા અને સમૃદ્ધિનું પર્વ છે. દિવાળીનો પ્રથમ દિવસ અગિયારસ “એકાદશી”તરીકે ઓળખાય છે, જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ દિવસે ઉપવાસ, દાન, પૂજન અને આધ્યાત્મિક સાધનાના વિધિનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસથી દિવાળીના શુભ કાર્યોનો આરંભ કરવો અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
૨. સ્વચ્છતાનો સંદેશ
અગિયારસના દિવસે લોકો પોતાના ઘરો, દુકાનો અને કાર્યસ્થળની વિશેષ રીતે સફાઈ કરે છે. જૂની, અપ્રયોજ્ય વસ્તુઓ દૂર કરી નવું સ્વાગત કરવાની પરંપરા આ દિવસે શરૂ થાય છે. આ સ્વચ્છતા માત્ર બહારની નહીં, પરંતુ અંતરાત્માની પણ હોય છે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા અને સાત્વિકતા હોય છે ત્યાં જ લક્ષ્મીજીનું આગમન થાય છે.
૩. ઉપવાસ અને વિષ્ણુ ભક્તિ
આ દિવસે ઘણા લોકો એકાદશી વ્રત પાળે છે. વિષ્ણુજીની પૂજા કરીને રાત્રિભજન અને જાગરણ કરવામાં આવે છે. આ ઉપવાસને આત્મનિષ્ઠા અને ઇન્દ્રિયનિયંત્રણનું પ્રતિક માનવામાં આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ અગિયારસનું વ્રત મનુષ્યના નકારાત્મક સંસ્કારને ધોઈને પવિત્ર ઉર્જાનું પ્રવાહ જગાવે છે
૪. દિવાળીનો સાચો આરંભ
અગિયારસ એ દિવાળીનું પ્રથમ પગથિયું છે – જે આપણને કહે છે કે પ્રકાશની ઉજવણી પહેલાં અંધકાર દૂર કરવો જરૂરી છે. સ્વચ્છતા, શ્રદ્ધા અને સદભાવના સાથે દિવાળીનો આરંભ કરીએ તો આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ઉજ્જવળ રહે છે.અગિયારસનું પૌરાણિક મહત્વ
ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ, પાપનાશ અને પુણ્યપ્રાપ્તિનો દિવસ
એકાદશીનો ઉદ્ભવ અને અગિયારસનું સ્થાન
પૌરાણિક કથાઓ અનુસાર, એકાદશી તિથિનું ઉદ્ભવ ભગવાન વિષ્ણુના શરીરમાંથી થયો હતો. જ્યારે અસુર મુરદૈત્યે દેવતાઓને ત્રાસ આપ્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ યોગનિદ્રામાંથી જન્મેલી દિવ્ય શક્તિ ‘એકાદશી દેવી’ દ્વારા તે દૈત્યનો સંહાર કર્યો. તે દિવસથી વિષ્ણુભક્તોએ દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ઉપવાસ સાથે મનાવવામાં શરૂઆત કરી.
દિવાળીની અગિયારસ પણ એ જ પવિત્ર પરંપરાનો ભાગ છે.આધ્યાત્મિક રીતે તે મનના અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ તિથિ આપણને શિખવે છે કે બહારની સફાઈ જેટલી જરૂરી છે, તેટલી જ મનની સ્વચ્છતા પણ આવશ્યક છે. અગિયારસથી શરૂ થતો દિવાળીના દિવસોનો પ્રકાશ યાત્રા અંતે મનુષ્યને દૈવી પ્રકાશની નજીક લઈ જાય છે….
લે: “ह्रीं” ચિંતના શ્રીજી (ભક્તિ સૂરીસામુદાય)
