Nobel Peace Prize: કોણ છે મારિયા કોરિના મચાડો, જેમણે આ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો?

નોબેલ પીસ પ્રાઈઝ અત્યારે દુનિયાભરમાં ચર્ચા છે, કારણ કે તેના માટે સૌથી પ્રબળ દાવેદાર અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના યુદ્ધગ્રસ્ત દેશોનો સંઘર્ષવિરામ કરાવ્યા પછી ચર્ચામાં રહ્યા અને વેનેઝુએલા મારિયા કોરિના મચાડોનું નામ જાહેર કર્યા પછી પણ અમેરિકાએ વિરોધાભાસી નિવેદન આપીને સૌને ચોંકાવ્યા હતા. અમેરિકાની પ્રતિક્રિયા પછી ઈવન નોબેલ પીસ પ્રાઈઝ વિજેતાએ આ પુરસ્કાર ટ્રમ્પની સાથે સાથે પોતાના દેશવાસીઓને સમર્પિત કર્યો છે, ત્યારે જાણીએ આ દિલદાર મહિલા કોણ છે અને એના સાહસને.
જ્યાં પાણીથી પણ સસ્તું પેટ્રોલ મળતું હોવાને કારણે ભૂખમરાની સ્થિતિ
આ મહિલાને જાણીએ એ પહેલા દેશની ભૂતકાળ અને ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ. વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે, જ્યારે તેનું સત્તાવાર નામ બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા છે. એક જમાનામાં કહેવાતું જ્યાં પાણીથી પણ સસ્તું પેટ્રોલ મળતું હોવાને કારણે ભૂખમરાની સ્થિતિ હતી. આવા દેશની લેડીને નોબેલ પીસ પ્રાઈઝ મળે એનું પણ સૌને આશ્ચર્ય છે તો જાણીએ કોણ છે.
પિતા ઉદ્યોગપતિ અને માતા મનોવૈજ્ઞાનિક હતા
2025ના નોબેલ પીસ પ્રાઈઝ આ વખતે વેનેઝુએલાના નેતા મારિયા કોરિના મચાડોને મળ્યો છે. તેઓ પોતાના દેશમાં લોકશાહીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને માનવાધિકારો માટે સતત સંઘર્ષ કરનારા જાણીતા રાજકારણી છે. મારિયા કોરિનાનો જન્મ સાત ઓક્ટોબર, 1967ના વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં થયો છે. પિતા હેનરિક મચાડો ઉદ્યોગપતિ હતા અને માતા કોરિના પેરિસ્કા મનોવૈજ્ઞાનિક હતા. બાળપણથી સાહસિક અને નેતૃત્વ કરનારા છે.
દેશના બદલાયેલા હાલાતને કારણે રાજકારણમાં એન્ટ્રી
ખેર, દેશમાં પરિવર્તન લાવવા માટે ચર્ચામાં રહેનારા મારિયા કોરિના મચાડોની વ્યક્તિગત વાત કરીએ તો એન્ડ્રેસ બેલો કેથોલિક યુનિવર્સિટીમાંથી ઈન્ડસ્ટ્રીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, ત્યારપછી કારકાસ સ્થિત ઈન્સ્ટિટ્યૂટની એસ્ટ્રુડિઓસ સુપીરિયર ડી એડમિનિસ્ટ્રેશન (આઈઈએસએ)માં ફાઈનાન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. હાયર એજ્યુકેશન પછી પણ બિઝનેસ કરવાને બદલે આખરે દેશના રાજકારણમાં પગલાં માંડ્યા, કારણ કે દેશમાં બગડી રહેલા હાલાતે તેમની ઊંઘ હરામ કરી હતી.
સ્પષ્ટવક્તા અને આક્રમક તેવરથી દેશમાં વિશેષ જાણીતી
2002માં તેમને સ્મેટ (Sumate) નામની સંસ્થા બનાવી હતી, જે ચૂંટણી પર દેખરેખ રાખવાની સાથે નાગરિકોનો અધિકારો પર પણ કામ કરે છે. અહીંથી તેમની રાજકીય યાત્રા શરુ થઈએા પછી Vente Venezuela નામની રાજકીય પાર્ટી બનાવી અને દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાવવાનું શરુ થયું. સ્પષ્ટવક્તા અને આક્રમક તેવરને કારણે મારિયા કોરિનાને વેનેઝુએલાનાં આયરન લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝ અને વર્તમાન નેતા નિકોલસ માદુરોના રવૈયાને કારણે તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અનેક ધમકીઓ મળ્યા પછી પણ પીછેહઠ ક્યારેય કરી નહોતી.
હવે સવાલ થાય શા માટે નોબેલ કમિટીએ પસંદ કર્યા?
નોબેલ કમિટીએ આ પુરસ્કાર માટે મારિયા કોરિનાની પસંદગી તેમના નૈતિક સાહસ અને લોકતંત્ર માટેની લડાઈમાં મકક્મ નેતૃત્વ માટે કરી છે. તેમના સંઘર્ષે ફક્ત વેનેઝ્યુએલામાં નહીં, પરંતુ દુનિયાભરના લોકોને પ્રેરણા પૂરી પાડી છે. નોબેલ પીસ પ્રાઈઝના સન્માન સાથે તેમને આલ્ફ્રેડ નોબેલની તસવીરનો સુવર્ણ ચંદ્રક અને 1.1 કરોડ સ્વિડિશ ક્રાઉન (આશરે આઠ કરોડ રુપિયા)ની રોકડ રકમ આપવામાં આવી છે. મારિયા કોરિના મચાડો આજે ફક્ત એક રાજકીય નેતા નથી, પરંતુ લાખો લોકોના સપનાનો અવાજ છે, જે વેનેઝુએલામાં આજે લોકો લોકશાહીના મંડાણની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ મહિલાએ ગાઢ અંધકારની વચ્ચે પણ લોકતંત્રના દીપકને પ્રજ્વલિત રાખ્યો છે.
