વિકાસ સપ્તાહ: ગુજરાતમાં યુવા-વિદ્યાર્થીઓનો અદભૂત પ્રતિસાદ
નિબંધ, ચિત્ર, ઓનલાઈન ક્વિઝ અને સેમિનારમાં 1.10 લાખથી વધુ અધિકારીઓ-સ્પર્ધકો સહભાગી
વિકાસ સપ્તાહના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં જનતાનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. વિકાસ સપ્તાહ અંતર્ગત બે દિવસમાં વિવિધ સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસની થીમ સાથે આયોજિત નિબંધ, વક્તૃત્વ, ચિત્રસ્પર્ધા, ઓનલાઈન ક્વિઝ, વ્યાખ્યાનમાળા, વિકાસ પદયાત્રા તેમજ વિવિધ સેમિનાર એમ કુલ ૪,૫૭૯ કાર્યક્રમોમાં અંદાજે ૧.૧૦ લાખથી વધુ યુવા, સ્પર્ધકો અને અધિકારીઓ સહભાગી થયા છે.
૭ ઓક્ટોબર નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર શપથ ગ્રહણ કરીને રાજ્યનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૪માં તેમણે વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો તા. ૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો. વિકાસ સપ્તાહમાં ૭ ઓક્ટોબરના મુખ્યમંત્રી તેમ જ મંત્રી મંડળના સભ્યો સહિત અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાએ ૭,૭૪૦ તેમજ જિલ્લા કક્ષાએ ૧૨,૬૯૧ પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકો સહભાગી થયા હતા.
વિકાસ સપ્તાહના બે દિવસ દરમિયાન રાજ્યના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કુલ ૨,૨૨૭ નિબંધ સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૪૧,૪૩૭ યુવાઓ સહભાગી થયા હતા. આજ રીતે વક્તૃત્વ સ્પર્ધાના કુલ ૧,૫૬૮ કાર્યક્રમોમાં ૧૬,૨૮૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિકાસ કામોની થીમ પર તજજ્ઞો દ્વારા આયોજિત ૯૧ જેટલા વ્યાખ્યાનમાળા કાર્યક્રમોમાં ૨૧,૭૧૮ જેટલા પ્રબુદ્ધ નાગરિકો-યુવાઓ જોડાયા હતા.
આ ઉપરાંત જિલ્લા યુવા વિકાસ અધિકારીઓ દ્વારા જિલ્લાની અગ્રગણ્ય સંસ્થા અને યુનિવર્સિટીમાં કુલ ૫૯ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં કુલ ૧૯,૯૩૯ અધ્યાપકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કુલ છ સ્થાનો પર આયોજિત વિકાસ પદયાત્રાના કાર્યક્રમમાં ૧,૧૨૦ યુવાઓ જોડાયા હતા. વધુમાં ૧૨ જેટલા વિકાસ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧,૯૫૬ યુવક-યુવતીઓ સહભાગી થયા હતા. રાજ્યભરમાં ૪૫ જેટલી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં ૧,૪૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨ જેટલા નિબંધ લેખનના કાર્યક્રમોમાં૧,૫૧૯ સ્પર્ધકો જોડાયા હતા. ચિત્રકામમાં રસ ધરાવતાં યુવાઓ દ્વારા રાજ્યના વિવિધ ૧૧૪ સ્થળોએ વિકાસની થીમ આધારિત 307 ભીંત ચિત્રો દોરવામાં આવ્યા હતા. જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૧૯૮ સ્પર્ધકો સહભાગી થયા હતા. વિવિધ ૩૭૫ ક્વિઝ સ્પર્ધામાં કુલ ૪,૪૦૮ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કુલ છ સ્થાનો પર લખપતિ દીદી અને ડ્રોન દીદીના વિષય સાથે આયોજિત સેમિનાર-વેબિનારમાં ૨૫૬ મહિલાઓ જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪ સ્થાનો પર વિકાસ સપ્તાહ સંદર્ભે આયોજિત વર્કશોપમાં રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતાં જેમા ૫૯૯ યુવાઓ સહભાગી થયા હતા.
