યુટ્યુબ પ્રીમિયમ લીધું છે છતાં એડ્સ આવે છે? આ 3 સરળ ટ્રિક્સથી પ્રોબ્લમ દૂર કરો!

આજકાલ જમાનો ડિજીટલ અને સોશિયલ મીડિયાનો છે અને આપણામાંથી અનેક લોકો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હશે જ. આવું જ એક પ્લેટફોર્મ છે યુટ્યૂબ. આપણામાંથી મોટાભાગના લોકો યુટ્યૂબ યુઝ કરતાં હોય છે અને આ યુટ્યૂબ પર વારંવાર પોપઅપ થતી એડવર્ટાઈઝમેન્ટથી પરેશાન પણ હશો. આ એડ્સથી છુટકારો મેળવવા માટે અનેક લોકો પ્રીમિયમ એકાઉન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ તેમ છતાં અનેક યુઝર્સ ફરિયાદ કરે છે કે તેમને એડ્સનો ત્રાસ સહન કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ સ્ટોરી તમારા માટે જ છે.
યુટ્યૂબ દ્વારા યુઝર્સને યુટ્યૂબ પર એડમાંથી મુક્તિ અપાવવા માટે મ્યુઝિક માટે અલગ અને વીડિયો બંન્ને માટે અલગ પ્રીમિયમ સુવિધા આપવામાં આવે છે. જોકે, આ બન્ને સર્વિસ માટે ફી ચાર્જ કરવામાં આવે છે. સબસ્ક્રિપ્શન લીધા બાદ યુઝર્સને એડ ફ્રી વીડિયો જોવા મળે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જો તમે ભૂલથી થર્ડ-પાર્ટી એપ્સથી વીડિયો જોવાનું શરૂ કર્યું હોય અથવા તો ઇન્કૉગ્નિટો મોડમાં હોય ત્યારે એડ્સ આવી શકે છે. ડોન્ટ વરી તમે આ સમસ્યાને પણ ઉકેલી શકો છો અને એના માટે તમારે અહીં જણાવવામાં આવેલી કેટલીક સિમ્પલ ટિપ્સને ફોલો કરવી પડશે. ચાલો જોઈએ શું શું છે ટિપ્સ…
સબસ્ક્રિપ્શન ચેક કરો
આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા તો તમારે મેમ્બરશિપ એટલે કે સબસ્ક્રિપ્શન ચેક કરવું પડશે. અનેક વખત પેમેન્ટ્સમાં કોઈ સમસ્યા હોય કે તે રિન્યુ ના થયું હોત તો આવું બની શકે છે. આ સાથે જ, તમે જે લોકેશન પર છો ત્યાં આ યુટ્યૂબ પ્રીમિયમ સર્વિસ વેલિડ છે કે નહીં એ પણ તપાસો. વાત કરીએ મેમ્બરશિપ કઈ રીતે ચેક કરશો એની તો એ માટે સૌપ્રથમ પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી સેટિંગ્સમાં જઈને પરચેઝ અને મેમ્બરશિપમાં જઈને ચેક કરી શકાય છે. ફક્ત મ્યુઝિક પ્રીમિયમ હશે તો પણ વીડિયોમાં એડ્સ આવશે, આથી કયુ સબ્સ્ક્રિપ્શન છે કે નહીં તે ચકાસી લો.
મેમ્બરશિપની એક્સપાયર તો નથી થઈ?
જી હા, યુટ્યૂબની મેમ્બરશિપ એક્સપાયર થઈ ગઈ હશે અને ત્યાર બાદ યુઝર દ્વારા જેટલા પણ વીડિયો ડાઉનલોડ કરવામાં આવ્યા હશે તે એક્સપાયર થઈ જશે. એટલે કે, તેમાં એડ્સ આવવાની શરૂ થઈ જશે. આથી, યુઝર દ્વારા ફરી મેમ્બરશિપ રીન્યુ કરાવી પડી શકે છે. આ સાથે જ, રીન્યુ કરાવી હોય તો પણ એડ્સ બંધ થવામાં થોડા કલાકનો સમય લાગે છે અને એ તાત્કાલિક બંધ નથી થતી.
ફરીથી સાઈન ઈન કરો
મેમ્બરશિપ અને સબસ્ક્રિપ્શન ઓકે હોય અને તે એક્સપાયર ન થઈ હોવા છતાં પણ જો તમને આ સમસ્યા આવી રહી હોય તો તમારે તમારું એકાઉન્ટ લોગઆઉટ કરીને ફરી સાઇન-ઇન કરવું જોઈએ. જો યુટ્યૂબનો રેગ્યુલર લોગો હોય તો સમજવું કે પ્રીમિયમ સર્વિસ નથી ચાલી રહી કારણ કે પ્રીમિયમ સર્વિસમાં લોગો પર એ લખેલું હોય છે.
