સોનાના આસમાને પહોંચેલા ભાવ માટે જવાબદાર કોણ ચીન કે અમેરિકા?
સેન્ટ્રલ બેન્કોની સોનાની આંધળી દોટ, શું દુનિયા ગરકાવ થઈ રહી છે?

સોનાના વધતા ભાવને લઈ દુનિયામાં હાહાકાર મચ્યો છે. ઝવેરીઓથી લઈને હવે મધ્યમ વર્ગના લોકોમાંથી રાડ નીકળી ગઈ છે. લોકોના માટે સોનાની ખરીદીનું સપનું બની જશે, કારણ કે રોજેરોજ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સામાન્ય જનતા ભૂલી જાઓ પણ હવે નાના-મોટા વેપારીઓ માટે પણ સોનું ખરીદવાનું કપરું બની રહ્યું છે. દિવાળી-ધનતેરસ યા લાભપાંચમમાં શું થશે સોના-ચાંદીના ભાવ. માર્કેટના વેપારીઓ જ નહીં, પણ હવે સરકારની પણ ચિંતા વધારી છે, કારણ કે દુનિયાભરની મહાસત્તાઓ પણ હવે સોનાની ખરીદી માટે આંધળી દોટ મૂકી છે, જે વૈશ્વિક સંકટના એંધાણ છે.

સોનાની ખરીદી કરવાનો ટ્રેન્ડ ઘટ્યો નથી
ખેર, જાણીએ અત્યારે સોનાની ખરીદીના બાદશાહ દેશ કોણ છે. ભાવની વાત કરીએ તો છેલ્લા આઠ મહિનામાં સોનાના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે, જાન્યુઆરી 2025માં 10 ગ્રામ સોનાના ભાવ 78-80 હજાર રુપિયાનો હતો, જે અત્યારે ઐતિહાસિક સપાટી પાર કરે છે. બુધવારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ 1.23 લાખ રુપિયાની સપાટી પાર કરી હતી, જ્યારે એમસીએક્સ પર પણ 1.20 લાખ રુપિયાની સપાટી પાર કરી છે, પરંતુ માર્કેટના ઝવેરીઓ કહે છે લોકો સોનું ખરીદવાથી દૂર રહે એવું બનતું નથી. એઝ યૂઝવલ લોકો ખરીદી કરવા આવે છે, જે પહેલા પાંચપચીસ તોલા લઈ જતા હવે પાંચ-દસ ગ્રામ લઈ જાય છે, પણ સોનાની ખરીદીનો ટ્રેન્ડ બદલાયો નથી.
28 મહિનામાં 27 વખત સેન્ટ્રલ બેંક સોનું ખરીદ્યું છે
અત્યાર સુધીમાં સોનાના ભાવ 40 વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા પછી દુનિયાભરના દેશ સોનાની નિરંતર ખરીદી કરી રહ્યા છે, જેમાં 28 મહિનામાં 27 વખત સેન્ટ્રલ બેંક સોનું ખરીદી કરી રહી છે. સેન્ટ્રલ બેંકોએ ઓગસ્ટ મહિનામાં 15 ટન સોનું ખરીદ્યુ છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધુ એટલે આઠ ટન સોનું કઝાકિસ્તાને ખરીદ્યું છે, જ્યારે દુનિયાની કેન્દ્રીય બેંકો પણ સોનું ખરીદી રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર ઓગસ્ટમાં કઝાકિસ્તાનની નેશનલ બેંકે સૌથી વધુ સોનું ખરીદ્યું હતું, તેનાથી કૂલ સ્ટોક 316 ટન થયો છે, જ્યારે તેની તુલનામાં તુર્કી, ચીન, ઉઝબેકિસ્તાન, બલ્ગેરિયાએ બબ્બે ટન સોનું ખરીદ્યું હતું. બીજી બાજુ રશિયન સેન્ટ્રલ બેંક ત્રણ ટન સોનું વેચ્યું હતું, જ્યારે ભારત, અમેરિકા અને ચીન પણ ખરીદીમાં પીછેહઠ કરી છે.
ચીન સતત સોનાનું હોલ્ડિંગ વધારી રહ્યું છે
વૈશ્વિક અહેવાલોની વાત કરીએ તો ચીન પણ સતત સોનાની ખરીદી કરી રહ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંક સતત દસમા મહિના દરમિયાન સોનાની ખરીદી કરી હતી. ચીનની સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ હોલ્ડિંગસ 2300 ટનની સપાટીએ પહોંચ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ મુજબ ચીન સતત સોનાનું હોલ્ડિંગ વધારી રહ્યું છે, જ્યારે ભારતે સતત બીજા મહિના દરમિયાન આરબીઆઈએ સોનાની ખરીદીમાં બ્રેક મારી છે. ચીનની કૂલ ગોલ્ડ રિઝર્વ 253.8 અબજ ડોલરની સપાટીએ પહોંચી છે, તેની કૂલ રિઝર્વના 7.6 ટકા છે.
2025માં 21 ટન સોનું ખરીદ્યું છે, જ્યારે 2024માં 44, 2023માં 225 ટન સોનું ખરીદ્યું હતું. ચીનનો ટાર્ગેટ તો 5,000 ટને પહોંચાડવાનો છે, કારણ કે હવે ચીન સોનાની તાકાત સમજે છે, તેથી સૌથી મોટી ઈકોનોમી બનાવવા માટે ગોલ્ડ રિઝર્વમાં સતત ખરીદી કરે છે. હાલમાં ચીનની પાસે કૂલ ગોલ્ડ રિઝર્વ 2,300 ટનની છે.
