બંગાળ-બિહારથી નેપાળ સુધી પત્તાના મહેલની માફક ધસી પડી ઈમારતોઃ ખેડૂતોની માથે આભ તૂટ્યું, અચાનક તબાહી કેમ?
બિન-મોસમી વરસાદ, બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સિક્કિમ, નેપાળ સહિત પૂર્વ ભારતમાં વિનાશ

આ વર્ષે શિયાળા પહેલાનું ચોમાસું વિનાશ વેરનારું છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પશ્ચિમથી લઈને પૂર્વ સુધી ભારતમાં વ્યાપક નુકસાન થયું છે, જ્યારે પડોશી દેશ ચીન, પાકિસ્તાન, પશ્ચિમ બંગાળ, ભુતાન સહિત નેપાળનો પણ સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર અને 100થી વધુ ભૂસ્ખલન વચ્ચે લાખો લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, જ્યારે અનેક લોકો ભોગ બન્યા છે.
પૂર્વનું રાજ્ય સિક્કિમ તો જાણે ભારતથી વિખૂટું પડી ગયું હોય ધીમે ધીમે રોડ, ઈમારતો, જાહેર કચેરીઓ સહિત અન્ય રહેવાસી વિસ્તારો પત્તાના મહેલની માફક ધસી રહ્યા છે. દાર્જિલિંગ-જલપાઈગુડી સૌથી વધુ પ્રભાવિત છે. વરસાદી સિઝન પૂરી થવા આરે છે, જેમાં તહેવારો પણ વરસાદીના પ્રકોપમાં પસાર થવાની ભીતિંને કારણે સરકાર પણ એક પછી એક રાજ્યોને નાણાકીય સહાય કરીને થાકી રહી છે, પરંતુ એનો ઉકેલ પણ મળતો નથી.
સામાન્ય કરતા વધુ વરસાદ પાકને વધારે નુકસાન પહોંચાડે
બિનસિઝન અત્યારે વરસાદ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર તેમ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પૂર-પ્રકોપ ઊો થયો છે, જ્યારે ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. ચોથી-પાંચમી ઓક્ટબરના ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળમાં ભૂસ્ખલનને કારણે 17 લોકો માર્યા ગયા છે, જ્યારે સિક્કિમ પણ વિખૂટું પડવાની સાથે નેપાળમાં પણ પૂરને કારણે બાવન લોકોનો ભોગ લેવાયો.
ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં પૂર અને પાકપાણી પર ગંભીર અસર થઈ છે, કારણ કે અત્યારે ખરીફ પાકની કાપણીની સિઝન અંતિમ તબક્કામાં છે. બિનસિઝનનો વરસાદ ખરીફ પાક માટે સૌથી ખરાબ સમયનો છે. ઓક્ટોબરમાં ડાંગર, કપાસ-સોયાબીન, મકાઈ અને કઠોળના પાકની લણણીના તબક્કામાં છે. સામાન્ય કરતા વધુ વરસાદ પાકને વધારે નુકસાન પહોંચાડે છે. પૂરના કારણે પાક તો ડૂબે છે પણ અનાજની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
હાલના તબક્કે વરસાદનો કોઈ સંયોગ નથી, પરંતુ કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના અનુસાર બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે, જે ચોથી ઓક્ટોબરથી એક્ટિવ થઈ છે, જેનાથી હવાના ઉપર તરફના પ્રવાહને થાય છે, જે સમુદ્રમાંથી ભેજને શોષી લે છે અને ભારે વરસાદ પડે છે. વધુમાં ઉત્તર પશ્ચિમ ભારત પશ્ચિમી વિક્ષેપથી પ્રભાવિત થયું હતું. આ ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ઠંડા પવનોની એક સિસ્ટમ છે, જે હિમાલય સાથે ટકરાય છે, પરિણામે ભારે વરસાદ ખાબકે છે.
સામાન્ય કરતા વધુ વરસાદ પડવાને કારણે વિનાશ નક્કી
ચોમાસું વિદાય થવાથી ભેજ જળવાઈ રહેવામાં પણ મદદ મળે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 350 મિલિમીટરથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે એકલા દાર્જિલિંગમાં 270 મિલિમીટર વરસાદ પડ્યો હતો, જે સામાન્ય કરતા 200 ટકા વધુ છે. આ દબાણને કારણે નેપાળમાં પણ વરસાદી પ્રકોપ ઊભો થયો છે, જેનાથી પૂર અને ભૂસ્ખલનનું નિર્માણ થયું હતું. નેપાળ સિવાય ભુટાનમાં હાઈડ્રોપાવર ડેમના ઓવરફ્લોએ પણ ચિંતા વધારી છે. પર્યાવરણશાસ્ત્રીઓ પણ કહે છે કે દાર્જિલિંગમાં આયોજન વિનાના શહેરીકરણ અને નદી-જળમાર્ગો અવરોધિત થવાથી નુકસાન વધી રહ્યું છે. એનું જ પુનરાવર્તન ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થયું છે.
