મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોના નવા યુગનો આરંભ થશે, જ્યાં એક જમાનામાં ટ્રામ દોડતી, હવે મેટ્રો દોડશે
એક્વા લાઈનનો અંતિમ તબક્કો તૈયાર, દક્ષિણ મુંબઈના 11 નવા સ્ટેશનો જોડાશે; ટ્રાફિક અને પ્રદૂષણથી મુક્તિ મળશે
મુંબઈ મેટ્રો થ્રી યોજનાનું હવે ઓન ટ્રેક છે. આ યોજનાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં 30 સપ્ટેમ્બરના ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ હવે આઠમી ઓક્ટોબરે કરશે. મેટ્રો-થ્રી અંડરગ્રાઉન્ડનું અંતિમ તબક્કાનું કામ સંપન્ન થશે, તેનાથી વરલીથી કફ પરેડ સુધી મેટ્રો લાઈન-થ્રીનું અંતિમ તબક્કાનું કામ દક્ષિણ મુંબઈના વધુ અગિયાર સ્ટેશનને જોડવાનું કામ કરશે, જેનાથી વ્યાવસાયિક કેન્દ્રની સાથે રહેવાસીઓને પણ પરિવહન કરવામાં મદદ મળશે. એકસાથે વધુ અગિયાર સ્ટેશનને કનેક્ટ કરવામાં આવશે. નવા રુટની કનેક્ટિવિટીને કારણે ત્રણ ગણા પ્રવાસીઓ ટ્રાવેલ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મુંબઈના પરા વિસ્તારમાંથી દક્ષિણ મુંબઈ પહોંચવામાં બે કલાકને બદલે હવે મેટ્રો મારફત કલાકમાં પહોંચી શકશે.

આરેથી કોલાબા 60 મિનિટમાં
એક્વા લાઈનનો અંતિમ 10.99 કિલોમીટરનો ભાગ શરુ થવા તૈયાર છે અને હવે મુંબઈગરાને આરેથી કોલાબા સુધી ફક્ત 60 મિનિટમાં મેટ્રો મારફત પહોંચી શકાશે. અનેક અવરોધો પછી પણ આખરે અંતિમ પડાવ પર મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રો પહોંચી ગઈ છે. મુંબઈના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોને તૈયાર કરવામાં અનેક વિરોધો અને કોર્ટ કેસનો પણ સામનો કરવો પડ્યો છે. મુંબઈના સૌથી ગીચ અને જૂના વિસ્તાર પૈકી કાલબાદેવીનો પણ સમાવેશ થાય છે. સ્ટેશન બનાવવા માટે એન્જિનિયરિંગનો ચમત્કારથી બીજું કાંઈ નથી. સદીઓ જૂની ઈમારતો, સાંકડી ગલીઓ અને હેરિટેજની જાળવણીના નિયમોનું પાલન કરવામાં પ્રશાસનને પણ નાકે દમ આવ્યો હતો, પરંતુ મેટ્રોએ અશક્યને શક્ય બનાવ્યું છે, જે એક જમાનામાં ટ્રામ દોડતી હતી, તેમ મેટ્રો અંડરગ્રાઉન્ડમાં દોડશે.
ક્યા અગિયાર સ્ટેશનનો થયો ઉમેરો
મેટ્રો-થ્રીમાં ઉમેરવામાં આવનારા 11 નવા મેટ્રો સ્ટેશનમાં સાયન્સ મ્યુઝિયમ, મહાલક્ષ્મી, મુંબઈ સેન્ટ્રલ, ગ્રાન્ટ રોડ, ગિરગાંવ, કાલબાદેવી, સીએસએમટી, હુતાત્મા ચૌક, ચર્ચગેટ, વિધાનભવન અને કફ પરેડનો સમાવેશ થાય છે. મૂળ અંદાજિત ખર્ચ કરતા પણ વધારો થયો છે. મેટ્રો-થ્રી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું મિનિમમ ફેર દસ રુપિયાથી લઈને 80 રુપિયા સુધીનું છે, જ્યારે એવરેજ ટ્રાવેલ ટાઈમ 45-60 મિનિટનો રહેશે.

એક કલાકની મુસાફરીના 70 રુપિયા
મેટ્રો લાઈનનો અંતિમ તબક્કો પૂરો 33.5 કિલોમીટરનો છે, જે એક કલાકમાં 70 રુપિયામાં થશે. આ રુટ પરની ટેક્સીનું ભાડું 500-600 રુપિયા થાય છે, જ્યારે ટ્રાફિક અને પ્રદૂષણની ઝંઝટ અલગ. રોડ અને રેલ કરતા પણ આ મેટ્રોની મુસાફરી વધુ ક્રાંતિકારી રહેશે. મેટ્રો-થ્રી મુંબઈના સૌથી જૂના અને જીવંત વિસ્તારોમાંથી પસાર થશે. કાલબાદેવી, સીએસએમટી, ચર્ની રોડ, કાલબાદેવી, ગ્રાન્ટ રોડ, ચર્ચગેટ વગેરે એવા એરિયામાંથી પસાર થશે, જ્યાંથી આજે પણ આ વિસ્તારો સતત લોકોની ચહલપહલથી ધબકતા રહે છે. વાસ્તવમાં કહીએ તો આ મેટ્રો ફક્ત પરિવહનનો શ્રેષ્ઠ વિકલ્પ જ નહીં, પરંતુ મુંબઈના ભૂતકાળ અને ભવિષ્યને જોડતો એક પુલ છે.
મેટ્રો-થ્રીનો ટાઈમ સવારના 5.55 વાગ્યાથી રાતના 10.30 વાગ્યા સુધી નિયત કરવામાં આવ્યો છે, જ્યારે મેટ્રો-વન 5.30 વાગ્યાથી રાતના 11.50 વાગ્યા સુધી દોડાવાય છે. મેટ્રો-થ્રી અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં કફ પરેડ, વિધાનભવન, ચર્ચગેટ, કાલબાદેવી, ગિરગાંવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચૌક, સિદ્ધિવિનાયક, દાદર, ધારાવી, બીકેસી, વિદ્યાનગરી, સાંતાક્રુઝ, સીએસઆઈએ ડોમેસ્ટિક એરપોર્ટ, સહાર રોડ, સીએસઆઈએ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મરોલ નાકા, એમઆઈડીસી, સિપ્ઝ અને આરે કોલોનીનો સમાવેશ થાય છે. સુવ્યવસ્થિત કનેક્ટિવિટી માટે લગભગ 36 કિલોમીટરનું અંતર 60 મિનિટમાં પૂરું કરી શકાશે.
