ગુજરાતના ‘રત્નો’ વધુ ઝળક્યાં: સરકારી એકમના શેર્સે સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્યાં
નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિનામાં GMDC, GSFC સહિત ગુજરાતના જાહેર સાહસોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ગાંધીનગરઃ ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), જેમને ‘ગુજરાતના રત્નો’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિનામાં સ્ટોક એક્સચેન્જ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, અને મુંબઈ સ્ટોક એક્સચેન્જના મહત્ત્વના ઈન્ડેક્સ સેન્સેક્સ તેમ જ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી જેવા બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ છોડી દીધાં છે.
ગુજરાતના ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્રના જાહેર સાહસોએ સ્થિતિસ્થાપકતા, વ્યૂહાત્મક વૃદ્ધિ અને રોકાણકારોનો દૃઢ વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે, જે રાજ્યના આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. શેરબજારોમાંથી સંકલિત થયેલા ડેટા મુજબ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) એ 28 માર્ચથી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પોતાના શેરના ભાવમાં 125.17% નો અસાધારણ ઉછાળો નોંધાવીને GMDC શ્રેષ્ઠ પ્રદર્શનકાર તરીકે ઉભરી આવ્યો છે, જે ₹265.35થી વધીને ₹597.50 થયો છે.
તેનાથી વિપરીત, આ જ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ 3.68% અને નિફ્ટી 4.64% વધ્યો, જે ગુજરાતના જાહેર ક્ષેત્રના એકમોનું દમદાર પ્રદર્શન દર્શાવે છે. સરકારના વ્યૂહાત્મક સુધારા, સ્પષ્ટ નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા બદલાવની સીધી અસર ગુજરાતના જાહેર એકમોના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે. નવા ઉદ્યોગો, ઊર્જા સુરક્ષા અને માઇનીંગમાં ટકાઉ પ્રથાઓ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાના લીધે રોકાણકારોને લાભ થયો છે અને લાંબા ગાળાના ફાયદા સુનિશ્વિત થયા છે.
આ ગુજરાતના રત્નો માત્ર આર્થિક સંપત્તિ નથી પરંતુ ગુજરાતના સુશાસન અને ઔદ્યોગિક ક્ષેત્રમાં દૂરંદેશીના પ્રતીક છે. આ આંકડાઓથી એ સ્પષ્ટ છે કે રોકાણકારોને જાહેર એકમોમાં ગાઢ ભરોસો છે. GMDCના વેલ્યુએશનમાં થયેલો વધારો સ્પષ્ટ છે, જેની પાછળ ખનિજોની વૈશ્વિક માંગ અને મુખ્ય માઇનિંગ ક્ષેત્રોમાં નિગમ દ્વારા કરવામાં આવેલું વ્યાપક વિસ્તરણ કારણભૂત છે. GSFCનો નોંધપાત્ર વિકાસ પણ એ દર્શાવે છે કે તેનું માળખું મજબૂત છે અને આબોહવાની બદલાતી પરિસ્થિતિ અનુસાર કૃષિ સામગ્રીની માંગ વધી છે.
