તમિલનાડુના કરુરમાં સ્ટેમ્પેડઃ ‘વિજય’ની રેલીમાં નાસભાગનું કારણ શું?
22 વર્ષમાં 22 નાસભાગઃ કેટલા લોકોનો લેવાયા ભોગ, ક્યારે અટકશે ‘અપરંપરા’?

તમિલનાડુના કરુરમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના પ્રમુખ વિજય રેલીમાં ભાગદોડને કારણે 39 લોકોનાં મોત થયા હતા, જેમાં મહિલાઓ, બાળકોનો સમાવેશ થાય છે. મૃતકની સંખ્યામાં વધારો થશે, પરંતુ ધર્મગુરુ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટરને જોવાનો સાંભળવાનો મોહ હજુ પણ ઘટતો નથી. હવે તો વર્ષમાં બે ત્રણ વખત એટલી મોટી નાસભાગ થાય છે કે એકલ-દોકલ નહીં, પરંતુ ડઝનથી વધુ લોકો મોતને ભેટે છે, પરંતુ આ સિલસિલો અટકતો નથી. દેશમાં 2003થી અત્યાર સુધીમાં 22 નાસભાગ થઈ છે, જેમાં 1,500 લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. રોજે રોજ જાહેર મેળાવડામાં ભીડ વધી રહી છે, ત્યારપછી ભીડમાં થનારી નાસભાગમાં લોકોના ભોગ બનનારાની સંખ્યા પણ વધી રહી છે.
તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયા છે, જ્યારે આ બનાવ મુદ્દે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતા કમ રાજકારણી વિજય થલપતીની રેલીમાં 10,000 લોકો આવવાની અપેક્ષા હતી, પરંતુ ત્યાં ત્રણ ગણા લોકો પહોંચ્યો હતો. અભિનેતા વિજય થલપતીને જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારપછી ભાગદોડ થઈ હતી. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી નાસભાગ અંગે ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં શનિવારે ભાગદોડ થઈ હતી, જેમાં 39 લોકોનાં મોત થયા હતા, જેમાં દસથી વધુ બાળકનો સમાવેશ થાય છે. ઉપરાંત, નાસભાગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા પછી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રેલીની યોજના અંગે પોલીસે ખુલાસો કર્યો હતો કે આયોજકોએ રેલીમાં 10,000 લોકો આવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ ત્રણ ગણા વધી ગયા હતા. અગાઉ પણ રેલીમાં નાસભાગ થતી હતી, પરંતુ શનિવારની રેલીમાં થયેલો બનાવ અપેક્ષા બહારનો છે. કરુરમાં બીજા મેદાનમાં રેલી યોજવાની અપીલ કરી હતી. 10,000 લોકોને બદલે 27,000 લોકો આવી ગયા હતા. બપોરના ત્રણ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ સવારના અગિયાર વાગ્યાથી ભીડ એકઠી થઈ રહી હતી. ઘટનાસ્થળે 500 પોલીસને તહેનાત કરવામાં આવી હતી, પરંતુ ક્યારે અચાનક નાસભાગ મચી, જેમાં મહિલાઓ, બાળકો સહિત અનેક લોકો ભોગ બન્યા હતા.
તમિલનાડુના પ્રભારી ડીજીપીએ કહ્યું હતું કે નાસભાગ અંગે તપાસ કરવામાં આવ્યા પછી વાસ્તવિકતા જાણવા મળશે. તપાસ પૂરી થયા પછી ચોક્કસ ટિપ્પણી કરવામાં આવશે. ત્રણ દાયકાથી વધુ તમિલ સિનેમા સ્ટાર 2024માં પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેટ્રી ક્ગઝમ (ટીવીકે) લોન્ચ કર્યા પછી લોકોને મળવા આવ્યા ત્યારે નાસભાગ થઈ હતી. વિજય સમર્થકોને સંબોધિત કરતાની શરુઆત કરી ત્યારે નાસભાગ થઈ હતી.
એક રિપોર્ટ અનુસાર વિજયે પોતાના ભાષણને વચ્ચે રોકીને સમર્થકો પર પાણીની બોટલ પણ ફેંકી હતી, ત્યારપછી લોકોને બેકાબૂ થતા પોલીસને મદદ કરવાની અપીલ કરી હતી. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કહ્યું હતું કે અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થયા છે, જેમાં 13 પુરુષ, 17 મહિલા, ચાર છોકરા અને પાચ છોકરીનો સમાવેશ થાય છે. 51 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10-10 લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નાસભાગ અંગે અભિનેતા વિજય થલપતીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારું હૃદય તૂટી ગયું છે. કરુરમાં ભોગ બનેલા લોકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સાજા કરવાની પ્રાર્થના કરી હતી.
આ જ વર્ષે દેશમાં નાસભાગ થનારા કિસ્સામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત પછીની વિક્ટરી પરેડમાં 11 લોકોનાં મોત થયા હતા. મહાકુંભની ભાગદોડમાં 30 લોકોનાં મોત થયા હતા, જ્યારે 60 લોકોને ઈજા પહોંચી હતી. દિલ્હી રેલવે સ્ટેશન પર 14-15 નંબરના પ્લેટફોર્મ પરની ભાગદોડમાં 18 લોકો માર્યા ગયા હતા. ગોવા, તિરુમાલા, હૈદરાબાદ વગેરે શહેની નાસભાગમાં અનેક લોકો ભોગ બન્યા હતા, પરંતુ આ પ્રકારના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે ટોળાશાહીની-પરંપરા પર રોક લાગે તો નિયંત્રણ આવે બાકી સરકાર વળતર આપતી રહેશે અને લોકો પણ આંધળી દોટ મૂકીને ધર્મગુરુઓ અને અભિનેતાઓ પર ભાગતા આ રીતે ભોગ બનતા રહેશે.
