જોઈ લે દુનિયાઃ ચાલતી ટ્રેનથી ‘અગ્નિ-પ્રાઈમ’ મિસાઈલ દુશ્મનના ઠેકાણા ધ્વસ્ત કરશે
ભારતે મોબાઈલ રેલ નેટવર્કથી મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી, 2000 KM સુધીના લક્ષ્યોને ભેદશે અગ્નિ-પ્રાઈમ

ભારત સંરક્ષણ ક્ષેત્રે ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે, જેમાં હવે મોબાઈલ રેલ નેટવર્કથી મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ બનાવ્યો છે. હવે ચાલતી ટ્રેનથી અગ્નિ પ્રાઈમ મિસાઈલને લોન્ચ કરી શકાશે, જેનાથી ટાર્ગેટેડ ઠેકાણાનો સફાયો કરવામાં આવશે. ભારતે અગ્નિ પ્રાઈમ મિસાઈલથી ટ્રેનથી લોન્ચિંગનું સફળ પરીક્ષણ કર્યું છે.
ભારતે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું ટ્રેનથી સફળ લોન્ચિંગ કર્યા પછી સંરક્ષણ મંત્રી એક્સ પર પોસ્ટ લખ્યું હતું કે મધ્યમ રેન્જની અગ્નિ પ્રાઈમ મિસાઈલને રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી પરીક્ષણ કર્યું હતું, જે સફળ રહ્યું હતું. આ મિસાઈલ ટ્રેનથી લોન્ચ કરીને લગભગ 2,000 કિલોમીટર સુધીની રેન્જના કોઈ પણ લક્ષ્યને ભેદી શકે છે.
સોશિયલ મીડિયા પર સંરક્ષણ મંત્રીએ લખ્યું છે કે આ મિસાઈલ એક કરતા અનેક વિશેષતાથી સજ્જ છે, જે ખાસ તો રેલ-આધારિત મોબાઈલ લોન્ચરથી કરવામાં આવ્યું છે. આ સફળતાને કારણે ભારત એ દેશની યાદીમાં પણ સામેલ થયું છે, જેમની પાસે મોબાઈલ રેલ નેટવર્કથી મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા છે.
અગ્નિ પ્રાઇમ એક એવી મિસાઇલ છે જેમાં અનેક અદ્યતન અને નવી સુવિધાઓ છે. તેમાં એક નવી પ્રોપલ્શન સિસ્ટમ અને સંયુક્ત રોકેટ મોટર કેસીંગ, તેમજ અદ્યતન નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. તે કેનિસ્ટર-લોન્ચ સિસ્ટમ પર આધારિત છે.
કેનિસ્ટર લોન્ચ પ્રણાલી શું છે
કેનિસ્ટર લોન્ચ સિસ્ટમ કોઈ પણ મિસાઈલને લોન્ચ કરવા માટે તેનો સમય ઘટાડે છે તેમ જ તેને કારણે લોન્ચિંગ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે અને જરુરિયાત વખતે રોડ યા રેલ માર્ગેપણ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી પણ શકાય છે. દેશના પરમાણુ શસ્ત્રાગારનું સંચાલન કરતી ટ્રાઇ-સર્વિસ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) દ્વારા આ અગ્નિ-પ્રાઇમનું પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચ હતું. અગ્નિ-પ્રાઈમ ધીમે ધીમે SFC ના શસ્ત્રાગારમાં અગ્નિ-I (700 કિમી) મિસાઈલોનું સ્થાન લેશે, જેમાં પૃથ્વી-II (350 કિમી), અગ્નિ-II (2,000 કિમી), અગ્નિ-III (3,000 કિમી) અને અગ્નિ-IV (4,000 કિમી) બેલિસ્ટિક મિસાઈલોનો સમાવેશ થાય છે.
અહીં એ જણાવવાનું કે ગયા ડિસેમ્બરમાં ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે 5,000 કિલોમીટર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. અગ્નિ 1 થી 4 મિસાઇલોની રેન્જ 700 કિલોમીટરથી 3,500 કિલોમીટર સુધીની છે અને તે પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે.
ઉપરાંત, ક્રોસ-કન્ટ્રી ગતિશીલતા પ્રદાન કરે છે, જે તેને જંગલો, પર્વતો અને મેદાનો દ્વારા સરળતાથી પરિવહન કરી શકાય છે. તે મિસાઇલ લોન્ચ સમયને નોંધપાત્ર રીતે ઘટાડે છે. તેનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે ઓછી દૃશ્યતામાં પણ મિસાઇલ લોન્ચ કરવાની તેની ક્ષમતા છે.
