ગુજરાતમાં લાંબા સમય બાદ એન્કાઉન્ટર: ગાંધીનગરમાં સાયકો કિલર વિપુલ પરમારનું મોત
બે દાયકા પૂર્વે ભૂતકાળના વિવાદાસ્પદ એન્કાઉન્ટર કોના રહ્યા?
એન્કાઉન્ટર માટે દેશમાં સૌથી વધુ ચર્ચામાં જો રહેતું હોય તો યોગી આદિત્યનાથનું ઉત્તર પ્રદેશ મોખરે હશે, જેમાં ગયા અઠવાડિયે દિશા પટણીના ઘરે ફાયરિંગ કરનારા આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ પહેલા મહારાષ્ટ્રમાં બદલાપુર બળાત્કારના આરોપીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતા. દેશમાં એન્કાઉન્ટર માટે યુપી અને મહારાષ્ટ્ર જેટલા બદનામ છે, એમાં ગુજરાતનું નામ પણ બાકાત નથી. એક જમાનામાં ગુજરાતમાં 2002થી 2006ના વર્ષમાં 20થી વધુ એન્કાઉન્ટર થયા હતા, જ્યારે તેની તપાસ ગુજરાત હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. એના પછીના વર્ષોમાં બહુ જાણીતા એન્કાઉન્ટર ભાગ્યે થયા હશે, પરંતુ બુધવારે રાજ્યના પાટનગરના ગામ નજીક કેનાલ ખાતે પોલીસે એક ગુનેગારનું એન્કાઉન્ટર કરી નાખ્યું.

લાંબા સમય પછી ગુજરાતમાં એન્કાઉન્ટર થયું
વાત જાણે એમ છે કે ગાંધીનગર અદાલજ ખાતેના લૂંટ એન્ડ મર્ડરના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન વખતે પોલીસની રિવોલ્વર છીનવી લેતા આરોપીએ ફાયરિંગ કર્યું હતું અને એ વખતે પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપી વિપુલ પરમારનું મોત થયું હતું અને આરોપીને નામે નવ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યમાં બહુ લાંબા સમય પછી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાનું પોલીસ અધિકારીએ પણ કબૂલ્યું હતું. ગાંધીનગર પોલીસે આરોપીને રાજકોટથી ઝડપ્યો હતો, જે સાયકો કિલર હતો. પોલીસ પરના હુમલામાં પોલીસને હાથમાં ગોળી વાગી હતી, જ્યારે આરોપીને પીઠ અને અન્ય ભાગમાં ઈજા પહોંચી હતી.
20મી સપ્ટેમ્બરે વિપુલ પરમારે યુવકની કરી હત્યા
સાયકો કિલર વિપુલ પરમારે ગાંધીનગર સ્થિત નર્મદા કેનાલ ખાતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે આવેલા એક યુવકની હત્યા કરી નાખી હતી. એ વખતે યુવતી પોતાનો જીવ બચાવી લેવામાં સફળ રહી હતી. સાઈકો કિલરને પકડવા માટે ગુજરાત એટીએસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને અંતે પોલીસે આરોપીને પકડી લીધો હતો. નર્મદા કેનાલ ખાતે પોતાનો જન્મદિવસ ઉજવવા આવેલા વૈભવ મનવાની પોતાની ફ્રેન્ડ સાથે આવ્યો હતો, ત્યારે સાયકો કિલરે તેને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવીને હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં યુવતી પણ ગંભીર રીતે ઘવાઈ હતી.
આઠ વર્ષની ઉંમરથી સાયકો કિલર સૌથી વધુ હિંસક હતો
પોલીસે હતું કે આરોપીને બુધવારે સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે પંચનામું કરવા માટે એલસીબીની ટીમ લઈ ગઈ હતી, ત્યારે પોલીસ અધિકારીનું હથિયાર છીનવાનો પ્રયાસ કરીને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસ પણ ઘવાયા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા આરોપીનું મોત થયું હતું. આરોપી પરમાર રીઢ્ઢો ગુનેગાર છે. આઠ વર્ષની ઉંમરથી હિંસક છે, જ્યારે તેના પિતા સીઆરપીએફના પૂર્વ જવાન હતા. પિતાની છત્રછાયા ગુમાવનાર વિપુલ પરમાર હિંસક હોવાથી પરિવાર અને સંબંધીઓએ તેનાથી અંતર બનાવી રાખ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અનેક ગુનામાં આરોપી જેલમાં પણ રહેલો છે, જેમાં લૂંટ-ચોરીના અનેક કેસ નોંધાયા હતા. હવે પોલીસ વિગતવાર તપાસ કરે છે.

બે દાયકા પૂર્વે 22થી વધુ એન્કાઉન્ટર સૌથી વિવાદમાં રહ્યા
અહીં એ જણાવવાનું કે આજથી બે દાયકા પૂર્વે એટલે 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં જેટલા એન્કાઉન્ટર થયા એના પર આરોપ મૂક્યો હતો કે તમામ બનાવટી હતા, જ્યારે પોલીસે કહ્યું હતું કે આ તમામ ત્રાસવાદી હતા અને મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા, જ્યારે રાજ્યમાં બોમ્બધડાકા માટે આવ્યા હતા. આ એન્કાઉન્ટર વિશેષ વિવાદમાં રહ્યા હતા. સોહરાબુદ્દીન, કૌસર બી, તુલસીરામ પ્રજાપતી, જાવેદ શેખ, અમજદ અલી, જીશન જૌહર, ઈશરત જહા, સાદિક જમાલ, કાસમ જાફરર, હાજી ઈસ્માઈલ, સમીર ખાન સહિત કુખ્યાત બુટલેગર અબ્દુલ લતીફનું નામ સામેલ છે. આ બધા એન્કાઉન્ટર મુદ્દે રાજકારણ પણ રમાયું હતું અને ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પણ એઝ યુઝવલ આમને સામને આવી ગઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોનિયા ગાંધીએ મોતના સોદાગર કહ્યા હતા, ત્યાર પછી મોદીની આગેવાની હેઠળ ભાજપને બહુમતીથી ચૂંટાઈ આવી હતી. બે દાયકા પછી એન્કાઉન્ટરનો દૌર શરુ થયો છે કે અંતથી શરુઆત છે, પણ એન્કાઉન્ટર પણ શંકાના દાયરામાં ઘેરાય તો નવાઈ રહેશે નહીં.
