સાવધાનઃ અમદાવાદમાં પાલતુ શ્વાનના નખ લાગવાથી પોલીસ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ
કૂતરાના નખનો ઘા પણ જીવલેણ બની શકે? જાણો અમદાવાદના પીઆઈના કિસ્સા વિશે

ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જ્યાં પાલતુ કૂતરાના નખના ઘા નહીં ભરાતા પોલીસને જીવ ગુમાવવાની નોબત આવી છે, જેનાથી વાઈલ્ડલાઈફ લવર્સ અને મેડિકલ ક્ષેત્રે પણ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે. મેડિકલ જગત માટે આ પણ બનાવ ચોંકાવનારો છે, કારણ કે પાલતુ શ્વાનના નખ વાગ્યા પછી તેને નજરઅંદાજ કરવામાં આવ્યો અને એ જીવલેણ બન્યો છે.
પીઆઈ મૂળ અમરેલી જિલ્લાના વતની હતા
અમદાવાદમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાના પાલતુ ડોગીના નખ વાગી જવાને કારણે સારવાર વખતે જીવ ગુમાવવો પડ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ ઈન્સ્પેક્ટરને પાલતુ ડોગીના નખ કાપતા હતા અને એ વખતે કૂતરાના નખ વાગી ગયા અને જેને કારણે મોત થયું.
મૃતક પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ વનરાજ માંઝરિયા છે, જે અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. મૂળ અમરેલી જિલ્લાના વતની હતી તથા 2001માં પોલીસ વિભાગમાં એસઆઈ તરીકે જોડાયા હતા અને પોલીસ કંટ્રોલ રુમમાં વહીવટી ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતા. આ બનાવ મુદ્દે અમદાવાદ પોલીસે પણ મૃતક પોલીસને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ પ્રકારના બનાવથી સતર્ક રહેવાની પણ અપીલ કરી હતી.
નખ વાગ્યા પછી હળવાથી લેવામાં આવ્યા
પોલીસ ઈન્સ્પેક્ટર વનરાજ માંઝરિયા પાસે એક જર્મન શેફર્ડ ડોગી હતો, જેના પંજાના નખ ગયા અઠવાડિયા દરમિયાન વાગી ગયા હતા, ત્યારપછી ડોગીને તમામ પ્રકારની વેક્સિન પણ આપી હતી અને પોતાને વાગેલા નખને પણ હળવાશથી લીધો અને ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની તકેદારી લીધી નહોતી અને ન તો એન્ટિ રેબિઝ વેક્સિન પણ. જોકે આ બનાવ પછી તેમની તબિયત અચાનક બગડી હતી અને હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા, ત્યાર પછી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પાંચેક દિવસ સુધી સારવાર ચાલી પણ ગઈકાલે હોસ્પિટલમાં મોત થયું હતું, જેના કારણે પરિવારની સાથે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છવાયો છે.
એક બેદરકારી પણ જીવલેણ બની શકે
દેશમાં અગાઉ પણ કૂતરા કરડવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, જેમાં દિલ્હી હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ પણ બાકાત રહ્યા નથી. રખડતા જ નહીં, પણ પાલતુ કૂતરાને રાખવામાં પણ અમુક સાવધાની રાખવાની જરુરિયાત છે. અમુક શહેર-ગામમાં તો રખડતા કૂતરાના ત્રાસને કારણે લોકોના મોત થઈ રહ્યા છે, જ્યારે પાલતુ કૂતરાને રાખવામાં જો કોઈ બેદરકારી દાખવવામાં આવે તો જોખમી બની શકે છે. ડોક્ટર પણ કહે છે કે હડકવાના વાઈરસ ચેપગ્રસ્ત પાણીના લાળમાં રહે છે, જ્યારે કોઈ જાનવર કરડે ત્યારે વાઈરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશે અને ચેતાતંત્ર પર હુમલો કરે છે પછી મગજ અને કરોડરજ્જુમાં જાય છે, જેને પહોંચતા બે મહિનાનો સમય લાગે છે જેને ઈન્ક્યુબેશન પણ કહેવાય છે.
કૂતરા કરડે તો શું કરવું જોઈએ
રસ્તા પર રખડતા કૂતરા અથવા અન્ય જાનવર કરડ્યા પછી ઘરે કે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તાત્કાલિક તમારી ચામડી પરથી તરત પાણી અને સાબુની મદદથી જગ્યા સાફ કરો. જો રખડતા જાનવરને હડકવા થયો હોય તો બેથી દસ દિવસમાં લક્ષણો જોવા મળે છે અને લક્ષણોમાં હાથ પગ પર સોજો આવે છે અને એના પછી તાવ અથવા વર્તનમાં પણ ફેરફાર થાય છે. એકવાર હડકવા પછી બચવાની શક્યતા ઓછી હોય છે પણ યોગ્ય સમયે રસી અને સારવારથી બચાવી શકાય છે. આમ જો રખડતા જાનવરને કોઈ ઈજા થાય અને કરડે તો સારવારમાં પણ કોઈ મોડું કરવું જોઈએ નહીં તો મોત નોંતરી શકે છે.
