ગોલ્ડના ભાવમાં ઐતિહાસિક તેજીઃ જાણો સોનાની આગઝરતી તેજીના કારણો
રિટેલ અને એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, માર્કેટ પર શું અસર થશે?

સોનાના ભાવમાં રોજ નવા નવા ઐતિહાસિક શિખરો સર કરી રહ્યા છે. રિટેલ હોય કે એક્સચેન્જ પર સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ડોમેસ્ટિક માર્કેટમાં સોનાના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર પણ સવારના સત્રમાં 10 ગ્રામ સોનાના ભાવ 1.12 લાખ રુપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. વૈશ્વિક માર્કેટમાં સોનાની એકધારી લેવાલી અને વૈશ્વિક માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ તેમ જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લઈને હજુ પણ માર્કેટમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે.
ઓક્ટોબર ફ્યુચર્સ 10 ગ્રામના ભાવ 1.12 લાખ રુપિયા એટલે 0.15 ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીના (ડિસેમ્બર ફ્યુચર્સના ભાવ) પમ 1.33 લાખ કિલોગ્રામે પહોંચ્યા છે, જેમાં 0.12 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સોના-ચાંદીની સતત આગળ વધતી તેજી નાના-નાના ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સોનામાં તેજીને કારણે અન્ય માર્કેટમાં નબળા વલણો જોવા મળી રહ્યા છે, જે મંદીનું પણ નિર્માણ કરી શકે છે.
માર્કેટના નિષ્ણાતોના જણાવ્યાનુસાર સોનામાં તેજી માટે ચાર-પાંચ કારણો જવાબદાર છે, જેમાં વૈશ્વિક સ્તરે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યાર પછી હજુ પણ વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવના છે, જેનાથી સોનાચાંદીના ભાવમાં વધારો થયો છે. ઓછા વ્યાજદરને કારણે લોકોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે.
બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ પણ છે કે સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા સહિત ટેરિફ પોલિસીની કારણે સેફ ઈન્વેસ્ટમેન્ટ પર રોકાણકારોનું પણ ઝૂકાવ વધ્યો છે.
અન્ય વાત કરીએ તો ખાસ કરીને એશિયન સેન્ટ્રલ બેંકોની ડોલરની પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ સોનાની નિરંતર ખરીદી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પણ વૈશ્વિક પરિબળો અસર કરી રહ્યા છે, જેમાં અમેરિકન ડોલર સામે ભારતીય ચલણમાં નબળાઈ પણ જવાબદાર છે, જેથી સોનાના ભાવમાં તેજી જોવા મળે છે. ઉપરાંત, ફેસિવલ અને લગ્નની સિઝનને કારણે સોનાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. તહેવારોમાં સામાન્ય કરતા ડિમાન્ડ વધારો થાય છે, એમ નિષ્ણાતોએ જણાવ્યુ હતું.
જીવન જરુરી ચીજવસ્તુના વધારાની સાથે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે એની તુલનામાં સોનાના ભાવમાં બેવડો વધારો થયો છે. નાના કસ્ટરમર માટે તો સોનું સપનું બની જાય તો નવાઈ રહેશે નહીં. સોનાના ભાવમાં એકતરફી વધારા અંગે નિષ્ણાતો કહે છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે અને વર્ષના અંત સુધીમાં જો વધુ રાહત આપે તો સોનાના ભાવમાં સકારાત્મક વલણ જોવા મળશે.
