એન્જિનિયરિંગની કમાલ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 5 KM ટનલ નિર્માણ, જુઓ અદભૂત તસવીરો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક નવો સીમાચિહ્ન, મુંબઈ નજીક 4.881 કિલોમીટર લાંબી ટનલનું કામ સફળતાપૂર્વક સંપન્ન

દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ બુલેટવેગે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સાબરમતી, સુરત સહિત મહારાષ્ટ્રમાં મહત્ત્વના સ્ટેશન પર કામકાજ ઝડપી બન્યા છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોરપોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ મહત્ત્વના સમાચાર આપ્યા છે, જેમાં મુંબઈ નજીકમાં નિર્માણ ટનલનું કામ મહત્ત્વના તબક્કામાં પાર પાડ્યું છે, જે ટનલની કૂલ લંબાઈ 4.881 કિલોમીટર છે. શિલફાટાથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સુધી દરિયામાં નિર્માણ થનારી ટનલનો આ ટનલ પણ ભાગ છે, જેમાં સાત કિલોમીટરનો ભાગ થાણે ખાડીથી નીચે બનાવ્યો છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે મુલાકાત કરીને કામની સમીક્ષા કરીને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની માહિતી આપી હતી, એન્જિનિયરિંગની કમાલની પ્રશંસા કરી હતી.

મે 2024થી ટનલ નિર્માણનું કામ શરુ કર્યું
NHSRCLએ બુલેટ ટ્રેનના કોરિડોરમાં આ સેક્શનમાં એનએટીએમ (ન્યૂ ઓસ્ટ્રેયન ટનલિંગ મેથડ) દ્વારા ટનલ નિર્માણનું કામ ત્રણ મુખના માધ્યમથી કરવામાં આવ્યુ હતું. મે 2024થી ટનલ નિર્માણનું કામ ચાલુ કર્યું હતું. 2.7 કિલોમીટરની લાંબી ટનલ (એડીઆઈટી અને સાવલી શાફ્ટની વચ્ચે) નવમી જુલાઈના પૂરો કર્યો હતો. આ બ્રેકથ્રૂ મારફત સાવલી શાફ્ટથી શિલફાટાના ટનલ પોર્ટલ સુધી 4.881 કિલોમીટર લાંબી ટનલનો સેક્શન પણ પૂરો થયો છે. આ ટનલ શિલફાટા સ્થિત એમએએચએસઆર યોજનાના ભાગરુપે વાયડક્ટને જોડવામાં આવશે.

આધુનિક ટેકનોલોજીને કારણે કામગીરી સફળ
આ ટનલની આંતરિક ખોદકામ 12.6 મીટર છે, જે સફળતા ભારતીય રેલવે અને એન્જિનિયરિંગની દુનિયા માટે મહત્ત્વની સિદ્ધિ છે. ભૌગોલિક રીતે પડકારજનક કામગીરીને પાર પાડવામાં આવી હતી, જેમાં ડ્રિલિંગ, બ્લાસ્ટિંગ, સર્વેક્ષણ કામ માટે આધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીએ પ્રોજેક્ટને વોટરપ્રૂફિંગ, લાઇનિંગ, ફિનિશિંગ વગેરેના અંતિમ તબક્કા સુધી પહોંચવામાં નોંધપાત્ર મદદ કરી છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, એક વધારાની ઓપરેબલ ઇન્ટરમીડિયેટ ટનલ (ADIT) બનાવવામાં આવી હતી. આ જ કારણથી ઘણસોલી અને શિલફાટા બંને દિશામાંથી એકસાથે ખોદકામનું કામ સફળતાથી પાર પાડવામાં આવ્યું હતું.

સુરત-બિલિમોરા સેક્શનમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવાશે
બાકી 16 કિલોમીટરના ટનલ નિર્માણનું કામ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ ટનલમાં 13.1 મીટર વ્યાસની સિંગલ ટ્યુબ ટનલ હશે, જેમાં અપ એન્ડ ડાઉન લાઈન માટે ડબલ ટ્રેક હશે. સુરક્ષાના ઉપાયોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, જેમાં ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર, પીજોમીટર, ઈનક્લિનોમીટ અને સ્ટ્રેન ગેજનો સમાવેશ થાય છે, જેથી આસપાસના બાંધકામને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત અને નિયંત્રિત ટનલ નિર્માણ થઈ શકે. સુરક્ષાના પણ જરુરી માપદંડોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુંબઈમાં પાંચ કિલોમીટરનું કામ સફળતાથી પૂરું કરવા મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સુરત-બિલિમોરા સેક્શનમાં દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન દોડાવાશે, જે મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે મોટી સુવિધા હશે, જે બાય રોડ પર નવ કલાકના બદલે બુલેટ ટ્રેનથી બે કલાકમાં પહોંચાડશે.
આ યોજનાનું કામ ક્યાં પહોંચ્યું છે?
. 508 કિલોમીટરના ભારતના સૌથી પહેલા બુલેટ ટ્રેનના કોરિડોરનું નિર્માણ
. 321 કિલોમીટરનો વાયડક્ટ અને 398 કિલોમીટરના પિયરનું કામ સંપન્ન થયું
. 17 નદી અને નવ સ્ટીલ બ્રિજનું કામ પૂરું થયું છે
. 206 કિલોમીટરના ટ્રેક બેડનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે
. 2000થી વધુ ઓએચઈ માસ્ટ લગાવ્યા, જે 48 કિમીના વાયડક્ટને કવર કરે છે
. પાલઘર જિલ્લામાં સાત પર્વતીય વિસ્તારમાં ટનલનું નિર્માણ કાર્ય ચાલુ છે
. ગુજરાતના સ્ટેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં, જેમાં એલિવેટેડ સ્ટેશનનું કામ શરુ
. મહારાષ્ટ્રમાં બીકેસી સ્ટેશન બેસ સ્લેબ કાસ્ટિંગનું કામ પ્રગતિના પંથે છે
. સુરત-બિલિમોરા સેક્શનમાં ડિસેમ્બર 2027માં પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન શરુ થશે
. 2027માં સુરત-બિલિમોરા, 2029માં મુંબઈ-અમદાવાદ (બીકેસી) સુધી પહોંચાડાશે
. અડધો કલાકે એક ટ્રેન રવાના કરાશે, જ્યારે પીકઅવર્સમાં દસ મિનિટે એક ટ્રેન દોડાવાશે
. ટ્રેનમાં રિઝર્વેશન નહીં, પરંતુ સ્ટેશન પરથી ડાયરેક્ટ ટ્રેનની ટિકિટ મળશે
