December 20, 2025
ગુજરાત

કચ્છની સિદ્ધિમાં ઔર વધારોઃ હવે ધોરડો બન્યું સોલાર વિલેજ

Spread the love

રાજ્યમાં મોઢેરા, સુખી અને મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ

ગાંધીનગર: યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100 ટકા સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આવતીકાલે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

દરેક ઘરમાં વાર્ષિક ₹16 હજારથી વધુનો લાભ
પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100 ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે.

આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹ 13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે.

છેવાડાના ગામડાઓનો થશે ઉદ્ધાર
આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે આ છેવાડાનું ગામ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!