ગામથી લઈને શહેર સુધી લોકોને મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ, પણ ક્યારે?
IIT હૈદરાબાદે 6G ટેકનોલોજીનો પ્રોટોટાઈપ વિકસાવ્યો, જે સુપરફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી લાવશે.

ભારત 6G ટેકનોલોજી દુનિયામાં નંબર વન બનાવવાની દિશામાં આઈઆઈટી હૈદરાબાદ મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં 2030 સુધીમાં 6G (સિક્સજી) નેટવર્ક લોન્ચ કરી શકે છે, તેના માટે શરુઆતમાં પ્રોટોટાઈપ સેવન 7GHz બેન્ડ પણ તૈયાર કર્યું છે, જેને લઈ આગામી વર્ષોમાં દેશના અંતરિયાળ ગામડામાં સુપરફાસ્ટ ઈન્ટરનેટની કનેક્ટિવિટી મળશે.
ટેક્નોલોજી 5Gથી વધુ ઝડપી કનેક્ટિવિટીવાળી હશે
આઈઆઈટી હૈદરાબાદે તાજેતરમાં પ્રોટોટાઈપનું પ્રદર્શન કર્યું હતું, જેમાં એડવાન્સ મેસિવ MIMO એન્ટિના એરે અને LEO (Low Earth Orbit)અને GEO (Geostationary Orbit) સેટેલાઈટ સમર્થિત સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ટેક્નોલોજી 5Gથી વધુ વિશ્વાસુ અને ઝડપી કનેક્ટિવિટીવાળી હશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ ઉપયોગી સાબિત થશે
સંસ્થાના વૈજ્ઞાનિક જણાવ્યાનુસાર 6G ફક્ત ફાસ્ટ 5જી નથી, પરંતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોથી લઈને દરિયા અને જમીન સુધી દરેક જગ્યાએ સુપરફાસ્ટ કનેક્ટિવિટી પૂરી પાડશે, જેમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ મહત્ત્વની ભૂમિકા અદા કરશે, જે સ્માર્ટ ડિવાઈસ, AR/VR અનુભવ, ઓટોમેટિક વ્હિકલ અને મોટા પાયે આઈઓટી નેટવર્ક માટે પણ આદર્શ બનશે.
ડિફેન્સથી લઈને ડિઝાસ્ટ મેનેજમેન્ટમાં ઉપયોગી થશે
6G ટેકનોલોજીથી ભારતની પ્રોડક્ટિવિટી અને સુરક્ષામાં બંનેમાં વધારો થશે, જે ખેતરથી લઈને ફેક્ટરી સુધી અને સ્કૂલથી લઈને હોસ્પિટલ તેમ જ ડિફેન્સથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધીના દરેક ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થશે.
નવી જનરેશનના ઉમેરા માટે એક દાયકો તો લાગે
દરેક દસકામાં મોબાઈલ ટેક્નિકમાં નવી જનરેશનનો ઉમેરો થયો છે. 2010થી 2020 સુધીમાં 5Gનું સ્ટાન્ડર્ડાઈઝેશન થયું અને ભારતમાં 2022માં 5G રોલઆઉટ થયું હતું. હવે 6G પર કામ 2021માં શરુ થયું અને 2029 સુધીમાં લોન્ચ કરવાની અપેક્ષા છે. જો બધુ અપેક્ષા પ્રમાણે થયું તો 2030 સુધીમાં ભારતમાં સેવા ઉપલબ્ધ થશે. સરળ શબ્દોમાં કહીએ તો 6G ફક્ત ઝડપી ઈન્ટરનેટ હશે નહીં, પરંતુ એવું નેટવર્ક હશે, જે ભારતને નવી ટેક્નોલોજીમાં વધુ મજબૂત બનાવશે.
