નવરાત્રી: સૂર્યના કિરણો જેની આરાધના કરે છે એ મહાલક્ષ્મી મંદિરની વિશેષતા શું છે?
મંદિરની અનોખી વાસ્તુકલા, ઇતિહાસ અને વૈજ્ઞાનિક રીતે પણ અકબંધ રહસ્યો

દેશમાં મંદિરોની સંખ્યા હજારો નહીં, પણ લાખોમાં છે. દરેક રાજ્યમાં આવેલા મંદિરોનું અલગ અલગ મહત્ત્વ છે, જ્યારે અનેક દાયકાઓ નહીં, પણ પ્રાચીન યુગના પણ છે. મહારાષ્ટ્રનું કોલ્હાપુરનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર પણ સૈકાઓ જૂનું છે. મહારાષ્ટ્રમાં મુંબઈનું સિદ્ધિવિનાયક હોય કે નાશિકનું પંચવટી આજે પણ શ્રદ્ધાળુઓની સાથે પર્યટકોની પણ શ્રદ્ધાનું પ્રતીક છે. પણ કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિરનું ઐતિહાસિક, પરંપરાગત અને વૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વ છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિ પર વર્ષમાં બે વખત સૂર્યના કિરણો પડે છે જેમાં એક 21 સપ્ટેમ્બર અને માર્ચનો સમાવેશ થાય છે. આ બાબત વાસ્તુકલાનો પણ અદભુત સંયોગ છે. આ દિવસે મંદિરમાં ચારેય દિશામાં પ્રકાશ ફેલાય છે, જ્યારે ભક્તો પણ તેની દિવ્ય અનુભૂતિ કરે છે. શું વિશેષતા અને ઈતિહાસની વાત કરીએ.
ચાલુક્ય વંશના રાજા કર્ણદેવે નિર્માણ કર્યું
સૌથી પહેલા એના ઈતિહાસને ખંગોળીએ તો મુંબઈથી આશરે 400 કિલોમીટર કોલ્હાપુર જિલ્લામાં મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે, જ્યારે મુંબઈથી પણ ડાયરેક્ટ ટ્રેન છે. મહાલક્ષ્મી મંદિરનું નિર્માણ ચાલુક્ય વંશના રાજા કર્ણદેવે સાતમી સદીમાં કહ્યું હતું, ત્યાર પછી શિલહાર યાદવે નવમી સદીમાં તેનું પુનર્નિમાણ કર્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં આવેલી માતાજીની મૂર્તિનું વજન પણ 40 કિલો છે, જ્યારે ચાર ફૂટની લંબાઈ ધરાવે છે. લક્ષ્મીમાતાની મૂર્તિ પણ લગભગ 7,000 વર્ષ જૂની છે. મંદિર પણ 27,000 વર્ગફૂટમાં ફેલાયેલું છે, જ્યારે મંદિરની ઊંચાઈ પણ 35થી 45 ફૂટ સુધીની છે. મંદિરની બહારના શિલાલેખો પણ લગભગ 1,800 વર્ષના જૂના છે.

સૂર્યના કિરણો માતાજીની કરે છે આરાધના
મંદિરની વિશેષતાની વાત કરીએ તો લક્ષ્મી માતાની પૂજા યા આરાધના ખુદ સૂર્યના કિરણો કરે છે. આ મંદિર પર પૂરા વર્ષમાં સૂર્યના સીધા કિરણો મૂર્તિ પર પડે છે. ખાસ કરીને 31 જાન્યુઆરીથી નવમી નવેમ્બર સુધી સૂર્યના કિરણો માતાના ચરણોને સ્પર્શ કરે છે તેમ જ પહેલી ફેબ્રુઆરીથી 10 નવેમ્બર સુધી કિરણો માતાજીની મૂર્તિના પગથી લઈને છાતી સુધી આવે છે, જ્યારે બીજી ફેબ્રુઆરીથી અગિયારમી નવેમ્બર સુધીના કિરણો માતાના પગથી લઈને પૂરા શરીર પર સ્પર્શ કરે છે. આ કિરણોના પ્રસારને કિરણ ઉત્સવ અથવા કિરણ તહેવાર પણ કહેવાય છે, જે મંદિરની આગવી વિશેષતા ઊભી કરે છે. એવું પણ કહેવાય છે મંદિરના બંધ રુમમાંથી ખજાના નીકળ્યા હતા, જ્યારે અહીંના માતાજીને શક્તિના દેવી પણ કહે છે. સદીઓથી મંદિરમાં સોના-ચાંદી સહિત અનેક કિંમતી વસ્તુઓની ભેટ આપી હોવાથી મંદિર સાથે તેની વસ્તુઓ પણ ખજાનાથી કમ નથી.
મંદિરના સ્તંભ પણ હજુ સુધી કોઈ ગણ્યા નથી
મંદિરના પરિસરમાં ચાર દિશામાં ચાર દરવાજા છે, પરંતુ મંદિરના પરિસરમાં કેટલા સ્તંભ છે એની કોઈ ગણતરી કરી શકતું નથી. જ્યારે પણ મંદિરના સ્તંભની ગણતરી કરવામાં આવે છે ત્યારે મોટી દુર્ઘટના ઘટે છે. સીસીટીવી કેમેરાથી પણ ગણતરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ નિષ્ફળતા મળી હતી. આવું શા માટે થાય છે એનું પણ કોઈ કારણ આપી શકતું નથી, વૈજ્ઞાનિકો પણ નહીં. ધનતેરસના દિવસે મંદિરમાં માતાજીની જે કોઈ ભક્ત પૂજા યા દર્શન કરે એના ઘરે પણ ધન-સંપત્તિ ખૂટતી નથી.
મંદિર સંબંધિત લોકવાયકાઓ પણ જાણી લો
કોલ્હાપુરનું મહાલક્ષ્મીનું મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક છે, જ્યારે માતા સતીના અંગ યા વસ્ત્રો જ્યાં પડ્યા એ તમામ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં માતાજીના ત્રિનેત્ર પડ્યા હતા, જેથી ત્યાં કોલ્હાપુરમાં શક્તિપીઠમાં દેવી મહાલક્ષ્મીના રુપમાં માતાજીની ભક્તિ કરવામાં આવે છે. મંદિરમાં મા દુર્ગા મહિષાસુરમર્દનીના રુપમાં નિવાસ કરે છે. મહાલક્ષ્મી માતાએ કેશી રાક્ષસના પુત્ર કોલ્હાસુરનો વધ કર્યો હતો, પરંતુ મર્યા પહેલા દૈત્ય કોલ્હાસુરે માતાજી પાસે વરદાન માગ્યું કે તેના નામથી આ સ્થળને ઓળખવામાં આવે, તેથી આજે પણ આ જગ્યાને કોલ્હાપુરથી ઓળખવામાં આવે છે. ત્રીજી એક કથા અનુસાર ભગવાન તિરુપતિ યાને વિષ્ણુ ભગવાનથી નારાજ થઈને પત્ની માતા મહાલક્ષ્મી કોલ્હાપુર આવીને વસી ગયા હતા, જે કાયમ માટે કોલ્હાપુરમાં પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું હતું.
(તમને આ આર્ટિકલ કેવો લાગ્યો અમને જરુર જણાવો)
