ગુજરાત સરકારે પૂરગ્રસ્ત પંજાબમાં 400 ટન ખાદ્ય પદાર્થ સહિત 70 ટન દવા મોકલી
મુખ્યમંત્રીએ વિશેષ રાહત ટ્રેનને લીલી ઝંડી બતાવી, જે અનાજ, દવા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડશે.

ગાંધીનગરઃ પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉમદા હેતુથી, ગુજરાત સરકારના રાહત કમિશનર કાર્યાલય સાથે સંકલનમાં ખાદ્ય નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગોએ ખાસ રાહત ટ્રેન દ્વારા પંજાબમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી વિશેષ રાહત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, જેમાં લોટ, ડુંગળી, બટાકા, ચોખા, મગફળીનું તેલ, ખાંડ અને દૂધનો પાવડર જેવી આવશ્યક ચીજવસ્તુઓ કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમ જ કપડાં, 10,000 તાડપત્રી, 10,000 મચ્છરદાની, 10,000 ચાદરો અને 70 ટન દવાઓ સામેલ છે.
આ બધી સામગ્રીઓ ઉચ્ચ ગુણવત્તાની છે અને ખાદ્ય સુરક્ષા ધોરણોને અનુરૂપ છે. ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ઉદ્યોગ અને ખાણકામ વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામગ્રીની ખરીદી, પેકિંગ અને પરિવહનની પ્રક્રિયા ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં આવી છે, જેથી આ સામગ્રી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ વેદ પ્રકાશએ જણાવ્યું કે આ ટ્રેનમાં રાહત સામગ્રીથી ભરેલા વધુ બે કોચ મહેસાણાથી જોડવામાં આવશે. આમ,આ ટ્રેનમાં લગભગ 700 ટન સામગ્રી હશે, પંજાબમાં રાહત સામગ્રી લઈ જતી આ પહેલી ટ્રેન છે.આ ટ્રેન લગભગ 1200 કિમીનું અંતર કાપીને રાજસ્થાન, એનસીઆર થઈને ફિરોઝપુર પહોંચશે. આ ટ્રેન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની લાઇન પર ચલાવવામાં આવશે, જેના કારણે તેને વધુ ઝડપથી પુરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી શકે.
આ પ્રસંગે ગાંધીનગર સ્ટેશન પર ખાદ્ય પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગાંધીનગરના મેયર અને રાહત કમિશનર આલોક પાંડે અને રેલવે પ્રશાસનની સાથે સાથે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
