શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ પછી કોનો વારો? ભારત માટે ચેતવણીરૂપ સંકેતો
સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ, યુવાનોનો ગુસ્સો અને સરકારનું પતન. પડોશી દેશોમાં ચાલી રહેલા આંદોલનો ભારત માટે કેવા સંકેતો આપી રહ્યા છે, જાણો.

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેની ઝલક બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જોવા મળી હતી, પરંતુ આ કારણ સરકારોને ઉથાલવવા માટે નિમિત્ત બની શકે છે એ વાતમાં પણ દમ છે. નેપાળના પાટનગર કાઠમંડુમાં જે પ્રકારે તોફાનો થયા એનું શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પુનરાવર્તન થયું હતું. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં આ પ્રકારની બાબત ચેતવણીસમાન છે. સંસદભવન સુધી લોકો ધસી જાય અને પોલીસ સાથેની તોડફોડમાં અનેક લોકો ભોગ બને એ ગંભીર વાત છે.
વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકો ઘવાયા
નેપાળમાં વિદ્રોહ માટે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો જવાબદાર માનવામાં આવે છે. સરકારના નિર્ણયના વિરોધમાં યુવાનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે જાહેર રસ્તાઓ પર નીકળી પડ્યા પછી સંસદ ભવન પર ધસી ગયા હતા. હવે સૌથી મોટી ચર્ચાની વાત એ છે કે નેપાળમાં સાચે જ વિદ્રોહ છે કે કોઈનો દોરીસંચાર છે, જે પરિબળે બાંગ્લાદેશમાં ભાગ ભજવ્યો હતો. હવે સવાલ એ પણ છે કે બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને હવે નેપાળ, આ ચારેય દેશમાં વિરોધ પ્રદર્શનીઓ વધુ તાકાતવર બની રહ્યા છે, જેની સામે રાજકારણીઓએ નમતું જોખવું પડ્યું હતું અને સત્તા પલટાનું નિર્માણ થયું. નેપાળમાં હિંસા પ્રદર્શન વચ્ચે સેંકડો લોકો ઘવાયા છે, જ્યારે 20 લોકોનાં મોત થયા છે. મહાનગરોમાં સંચારબંધી લાદ્યા પછી પરિસ્થિતિ અંકુશમાં લેવા માટે પ્રશાસનને નાકે દમ આવ્યો છે પણ સવાલ સોશિયલ મીડિયા બળવાન બની રહ્યા હોવાનો સૂચક સંદેશ પડોશી દેશને પણ જાય છે.
નેપાળમાં શા માટે ઝેન-ઝેડ્ રિવોલ્યુશન
નેપાળમાં ચાલી રહેલા આંદોલનને લોકો ઝેન-ઝેડ રિવોલ્યુશન કહે છે. તેની આગેવાની પણ યુવાન-વિદ્યાર્થીઓએ કરી છે. નેપાળ સરકારે ફેસબુક, ટવિટર (એક્સ), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુ-ટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. એના કારણે ગુસ્સે થયેલા યુવાન-વિદ્યાર્થીઓએ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો ગણાવ્યો હતો અને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
નેપાળની લોકશાહી પર ગંભીર જોખમો
સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો તાત્કાલિક હટાવવાના નારા સાથે દેશમાંથી બેકારી, ભ્રષ્ટાચાર જેવી બાબતોને પણ વખોડવામાં આવી હતી. યુવાનોએ સરકાર પર સીધો સવાલ કરીને પૂછ્યું હતું કે સરકાર સામે વિરોધ કરનારા તમામ મંચ પર બંધ કરવામાં આવે તો પછી લોકશાહીનો અર્થ શું છે. સરકાર સામે મોરચો ખોલીને રસ્તાઓ અને સંસદમાં ઘૂસી ગયા હતા. આ જ પ્રકારે બાંગ્લાદેશમાં સરકારનું પતન કર્યું હતું, જ્યારે શ્રીલંકામાં પણ સરકારને ઉથલાવવામાં આવી હતી. એના સિવાય પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લોકશાહી જાણે રહી જ નથી, ત્યારે આ કટોકટીનો સીધો મેસેજ પડોશી દેશને પહેલો જાય છે.
મજબૂત ફંડિગ કરનારા સંગઠનો કોણ?
આ અગાઉ શ્રીલંકામાં પણ આર્થિક સંકટ અને મોંઘવારીથી ત્રસ્ત જાહેર જનતાએ રાષ્ટ્રપતિભવનને ઘેરી લીધું હતું. બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં એક કોમન બાબત છે, જે યુવાનોમાં સરકાર પ્રત્યેનો અણગમો. આ બધાને સંગઠિત કરવા માટે પણ એક જ ફેક્ટર કોમન છે સોશિયલ મીડિયા. જે પ્રકારે હિંસા ફેલાવી છે તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે મજબૂત ફેક્ટર પણ ફંડિંગનું છે. બાંગ્લાદેશમાં સરકારના પલટા સાથે શ્રીલંકામાં પણ રાષ્ટ્રપતિને પલટાવવા માટે કોણે ભંડોળ આપ્યું હતું એ વાત સંશોધનનો છે. ઈન્ટરનેશનલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા કંપનીઓ હવે ફક્ત ટાઈમપાસનું સાધન નથી, પરંતુ દેશમાં હિંસા ફેલાવવાથી લઈને સરકારને પણ ઉથલાવી શકે છે, તેથી સોશિયલ મીડિયા પર સવાલો ઊભા થયા છે. ભારતમાં દિલ્હી સીમા પર ખેડૂતોનું આંદોલન હોય કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો તેમ જ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન પણ સરકારની ઊંઘ હરામ કરી હતી, તેથી નેપાળની બાબત સરકાર માટે એલાર્મ કોલ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.
