December 20, 2025
ગુજરાત

ગુજરાતમાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ: બનાસકાંઠાનો ‘રણપ્રદેશ’ દરિયામાં ફેરવાયો

Spread the love

સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ: ૨૦૬ જળાશય પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર

ગાંધીનગરઃ ગુજરાતમાં દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વમાં ભારે વરસાદને કારણે આ વખતની સિઝનનો વરસાદ 100 ટકાથી પાર કર્યો છે, તેમાંય વળી આગામી ત્રણ-ચાર દિવસ હજુ ભારેથી અતિ ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી શકે છે. ગુજરાત ઉપર મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરી કર્યું છે. ગઈકાલે બનાસકાંઠાના સૂઈગામમાં 11.9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને કારણે તાલુકામાં આવેલો નડા બેટનો રણ પ્રદેશ દરિયામાં ફેરવાઈ ગયો હતો. તોફાની પવન સાથે નડાબેટનો રણ પ્રદેશમાં દરિયા જેવા મોજા ઉછળ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડે છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને હજુ પણ દસમી સુધી દરિયો નહી ખેડવાની સૂચના આપી છે.

15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

38 તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો
આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ ૩૮ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જૂનથી અત્યાર સુધીમાં 5,598 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં
રાજ્યમાં પહેલી જૂનથી અત્યાર સુધીમાં 5,598 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન. ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!