ભારત ‘વિકસિત’ બન્યા પહેલા ‘વૃદ્ધો’નો દેશ બની જશે, ચોંકાવનારા રિપોર્ટની હકીકત જાણો
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS)ના રિપોર્ટમાં ખુલાસો: પ્રજનન દરમાં ઘટાડો અને સરેરાશ ઉંમરમાં વધારો ભારતને ડેમોગ્રાફિક શિફ્ટ તરફ દોરી રહ્યા છે

ભારત અત્યારે ચારેય બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશના અટકચાળાથી પરેશાન છે, જ્યારે અમેરિકા સહિત અમુક યુરોપિયન દેશની ટેરિફ સંબંધિત નીતિને કારણે પરેશાન છે, પણ દેશમાં આર્થિક અને નાણાકીય સંતુલન ખોરવાઈ રહ્યું છે. આર્થિક રીતે વિકાસની હરણફાળ ભરે એ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ મળ્યો છે. દેશમાં યુવાનોની સંખ્યા વધી છે, પણ અમીર યા વિકાસની દિશામાં હરણફાળ ભર્યા પહેલા વૃદ્ધોની સંખ્યા અને વર્ગમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિનો રફતાર ઘટી રહી છે, જ્યારે લાઈફ એક્સપેક્ટેન્સી (સરેરાશ ઉંમર) પણ વધી રહી છે, જેનો સીધો અર્થ એ છે કે દેશ વૃદ્ધોનો બની રહ્યો છે.
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો મહત્ત્વનો રિપોર્ટ
ભારતમાં ધીમે ધીમે વૃદ્ધાવસ્થાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) 2023ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. એસઆરએસના અહેવાલ અનુસાર ભારતમાં પ્રજનન દર ઘટી રહ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં કામકાજ કરનારા લોકોનો વર્ગ (ઉંમર 15થી 59 વર્ષ)ની વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે, શૂન્યથી 14 વર્ષના વર્ગના લોકોની સંખ્યામાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વતીથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર વર્ષ 1971થી 1981 વચ્ચે શૂન્યથી 14 વર્ષના વર્ગના લોકની ભાગીદારી 41.2 ટકાથી ઘટીને 38.1 ટકા રહ્યું છે. જ્યારે 1991થી 2023 વચ્ચે એનું પ્રમાણ 24.2 ટકા છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા આપવામાં આવેલા આંકડામાં જણાવ્યું છે કે દેશનો કૂલ પ્રજનન દર 1971ના 5.2 ટકાથી ઘટીને 2023માં 1.9 રહ્યો છે.
દુનિયાના સૌથી મોટા ડેમોગ્રાફિક સર્વેનું તારણ
એસઆરએસવતીથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં 88 લાખ સેમ્પલ વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દુનિયાનો સૌથી મોટો ડેમોગ્રાફિક સર્વેમાંથી એક છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશમાં શૂન્યથી 14 વર્ષના વર્ગના છોકરાઓની સંખ્યા છોકરીઓથી પણ વધારે છે. જોકે, તેમાં દિલ્હી અપવાદ છે, જ્યાં છોકરીઓની સંખ્યા વધારે છે. એસઆરએસના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં વર્કિંગ એજ ક્લાસનું પ્રમાણ 1971માં 53.4 ટકા હતું, જે વધીને 2023માં 66.1 ટકા રહ્યું છે, જેમાં સૌથી વધુ પ્રમાણ દિલ્હી (70.8 ટકા), ત્યાર પછી તેલંગણા (70.2), આંધ્ર પ્રદેશ (70.1) છે, જ્યારે સૌથી ઓછું બિહાર (60.1 ટકા) છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં તેનો વર્ગ 688 ટકા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એનો આંકડો 64.6 ટકા છે.
દેશમાં વૃદ્ધોની કેટલી સંખ્યા છે
એસઆરએસના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં જમ્મુ કાશ્મીરના ગ્રામીણમાં મહિલાઓ અને આસામમાં શહેરી પુરુષોની વર્કિંગ એજ ક્લાસમાં સૌથી વધુ ભાગીદારી છે. દેશમાં વૃદ્ધોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. 60 વર્ષ અથવા એનાથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 2023માં 9.7 ટકા રહી છે. કેરળ (15.1 ટકા), તમિલનાડુ (14 ટકા) અને હિમાચલ પ્રદેશ 13.2 ટકા) વગેરે આ વર્ગમાં સૌથી વધુ છે.
દેશની વસ્તી વધારાના ચોંકાવનારા આંકડા
આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન રિપોર્ટમાં પણ ચોંકાવનારા તારણો આપવામાં આવ્યા હતા, જેમાં કહ્યું હતું કે દેશમાં મહિલાદીઠ પ્રજનન દર 2.1 બાળકથી નીચે જઈ રહ્યો છે તેનો અર્થ એ છે કે વર્તમાન પેઢી પૂરતા પ્રમાણમાં બાળકોને ઉછેરતી નથી, જેના કારણે આગામી વર્ષોમાં દેશમાં વસ્તીમાં ઘટાડો થશે. 2.1ના પ્રજનન દરથી પણ ભારતની વસ્તીમાં ઘટાડો થશે. એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગે 2020માં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની વસ્તી 2030 સુધીમાં 1.5 અબજ અને 2050માં 1.64 અબજ સુધી પહોંચી જશે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં પ્રજનન દરમાં ઘટાડો થવાને કારણે વસ્તીના આ અંદાજમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.
