December 20, 2025
વાંચન વૈવિધ્યમ

નેશનલ બુક ડે: ગુજરાતમાં 197 સરકારી લાઇબ્રેરી કાર્યરત, નવી 71 લાઇબ્રેરીના નિર્માણને મંજૂરી

Spread the love


‘વાંચે ગુજરાત’ અભિયાન: વર્ષ ૨૦૧૦માં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને નિયમિત વાંચન માટે પ્રેરિત કરવાનો હતો

ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ 7 આદિજાતિ જિલ્લા 14 તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ 64 સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 64માંથી 53 સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ ચૂક્યા છે, અને 11નું કામ પ્રગતિમાં છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે અને આ વર્ષે તાલુકા સ્તરે નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી છે એના પછી તમામ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ જશે.

રાજ્યમાં 33 જિલ્લા પુસ્તકાલય અને 150 તાલુકા પુસ્તકાલય
દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વાંચન પ્રવૃત્તિને કેળવી શકે અને વાંચનનો આનંદ લઇ શકે. રાજ્યમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે, જેમાં 33 જિલ્લા પુસ્તકાલયો અને 150 તાલુકા પુસ્તકાલયો સહિત મધ્યસ્ત પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે.

મધ્યસ્થ પુસ્તકાલયમાં 500થી વધુ નાગરિક લાભ લે છે વાંચનનો
રાજ્યભરમાં સ્થિત સરકારી પુસ્તકાલયો નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરે છે. રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા પુસ્તકાલયો ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પ્રતિદિન 250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, અને તાલુકા પુસ્તકાલયો ખાતે પણ 100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.

આદિજાતિ સમુદાયો પણ મેળવી રહ્યા છે વાંચનનો લાભ
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર હજુ સુધારવાની સાથે લોકોને વાંચનમાં રસ વધે એ જરુરી છે. રાજ્યમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યામાં સરકારે 197 આપ્યા, પરંતુ રાજ્યની કૂલ વસ્તીની તુલનામાં લોકો વધુ વાંચન કરે તો રાજ્ય વધુ શિક્ષિત બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!