ટ્રમ્પના ટેરિફથી ભારતીય દિગ્ગજ ઉદ્યોગપતિઓની પણ ઊંઘ હરામ!
અંબાણી, અદાણીથી લઈને નારાયણ મૂર્તિ સુધીના ઉદ્યોગપતિઓ નવા વિકલ્પોની શોધમાં

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના ટેન્શનથી દુનિયાભરમાં હિલચાલ છે, જેમાં ભારતથી લઈને બ્રાઝિલ અને ઈસ્લામી રાષ્ટ્રો પણ ટેરિફથી બચી શક્યા નથી. સૌથી વધારે કાગારોળ ભારતમાં છે, કારણ કે રશિયાથી દાઝેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સજારુપે ટેરિફ ફટકાર્યો છે. ઓગસ્ટથી ટેરિફ લાગુ પડ્યા પછી ભારત સરકારની જ નહીં, પરંતુ હવે અબજોપતિ ઉદ્યોગપતિઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે, જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણીથી લઈને નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે.
ઈન્ફોસીસના કો-ફાઉન્ડ નારાયણમૂર્તિની ફેમિલી ઓફિસ કેટામારન વેન્ચર્સના પ્રમુખ દીપક પડાકીએ કહ્યું હતું કે હાલમાં અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેમાંથી બહાર નીકળવાનો એક જ ઉકેલ છે, જે પ્રોડક્ટ અમે બનાવીએ એ ગ્રાહકો માટે જરુરી હોય. જેનાથી એડિશનલ વેરો પણ ચૂકવવા માટે તૈયાર હોય.
રિલાયન્સને સૌથી મોટો ફટકો
બીજી બાજુ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ વર્ષના પહેલા છ મહિનામાં રશિયાથી લગભગ 142 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, જેનાથી કંપનીને લગભગ 571 મિલિયન ડોલરની બચત થઈ હતી, પરંતુ હવે ટેરિફથી નિકાસ પર અસર જોવા મળી શકે છે, કારણ કે એનો 45 ટકા હિસ્સો નિકાસથી આવે છે. એની સાથે રિલાયન્સ અમેરિકામાં પણ પોતાના એનર્જી બિઝનેસ અને ડિજિટલ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે, જ્યાં ગૂગલ, મેટા અને ડીઝની વગેરે પણ કંપની પણ તેમની સાથે સ્પર્ધામાં છે.
સોલાર પેનલનું સૌથી મોટું બજાર અમેરિકા
અન્ય એક આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ગૌતમ અદાણીના અદાણી પોર્ટ્સ દેશની સૌથી મોટી પોર્ટ કંપની છે, જેનો માર્કેટ હિસ્સો 27 ટકા છે. એનું કારણ ટેરિફની અસર જ્યારે વિદેશી વેપાર પર થશે, ત્યારે તેની સૌથી મોટી અસર અદાણી પોકાર્ટ પર થશે. એની સાથે અદાણી ગ્રુપ પોતાનો સોલાર પેનલ્સનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં નિકાસ કરે છે. જો ટેરિફ જારી રહેશે તો સોલાર સેલના વેચાણ પર પણ સીધો ફટકો પડશે, કારણ કે અમેરિકા ભારતના સોલાર મોડ્યુલનો સૌથી મોટો ખરીદ કરનારા દેશ છે.
સ્ટીલ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને અસર
આર્સેલર મિત્તલે વર્ષ 2024માં અમેરિકાને લગભગ 6.7 અબજ ડોલરનું સ્ટીલ એક્સપોર્ટ કર્યું હતું. કંપની પરના ટેરિફને કારણે આ વર્ષના નફામાં 150 મિલિયન ડોલરના ઘટાડાની આશંકા છે. કંપની હાલના તબક્કે પોતાના નિર્માણ કાર્યને પણ જોરદાર વધારી રહી છે, જેથી જોખમોનો ઘટાડી શકાય. આઈશર મોટર્સની રોયલ એનફિલ્ડ બાઈકની અમેરિકામાં વધારે ડિમાન્ડ છે, પરંતુ ટેરિફને કારણે આ કિંમતમાં વધારો થશે, તેથી વેચાણ પણ ઘટશે. કંપની હવે અમેરિકાને બદલે કેનેડાને પણ માર્કેટ તરીકે વિકસાવી શકે છે.
કપડા અને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટને ફટકો પડી શકે
પોલિકેબ, મદરસન ગ્રુપ, ભારત ફોર્જ અને વેલસ્પન લિવિંગ વગેરે કંપનીઓ અમેરિકામાં પોતાની પ્રોડક્ટ મોકલે છે. વેલસ્પન પોતાની રેવન્યૂના 61 ટકા અમેરિકામાંથી મળે છે, જ્યારે ભારત ફોર્જે ગયા વર્ષે અમેરિકામાંથી 200 મિલિયન ડોલરનો માલ વેચ્યો હતો, જ્યારે પોલિકેબ માટે તાંબા પર ટેરિફને કારણે ટેન્શન વધ્યું છે, કારણ આ બધી કંપની માટે અમેરિકન માર્કેટ મહત્ત્વનું છે. હવે ટેરિફ લાદવને કારણે માર્કેટ માટે પડકારો ઊભા થયા છે.
