ચીનની SCO સમિટમાં હાજર પણ મિલિટરી પરેડમાં PM Modi ગેરહાજર, કારણ શું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં આયોજિત SCO સમિટમાં હાજર રહ્યા, પરંતુ ચીનની મિલિટરી વિક્ટરી પરેડમાં ગેરહાજર રહ્યા. આ નિર્ણય પાછળના રાજકીય અને વ્યૂહાત્મક કારણો શું છે?
ચીનની સેનાએ બુધવારે બીજિંગમાં પોતાના શસ્ત્રોનું પ્રદર્શન સાથે વિક્ટરી પરેડનું આયોજન કર્યું હતું. વિક્ટરી પરેડમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત પાકિસ્તાનના આર્મી પ્રમુખ અસિમ મુનીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પાકિસ્તાન, નેપાળ, માલદીવ, ઈરાન, મલેશિયા, મંગોલિયા વગેરે દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આર્મી પરેડમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા નહોતા. મોદીના આ નિર્ણય મુદ્દે અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે, જેના માટે એક કરતા અનેક કારણો જવાબદાર છે. સીમા પરના વધતા તનાવની સાથે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર વખતે સમર્થન સહિત જાપાન સાથેના સંબંધોને પણ જવાબદાર માનવામાં આવે છે.
એસસીઓ સમિટમાં હાજર પણ પરેડમાં ગેરહાજર
પરેડમાં પીએમ મોદીની ગેરહાજરીનું ભારતના વિપક્ષના નેતાઓની સાથે દુનિયાભરના નેતાઓએ પણ નોંધ લીધી છે. બીજી બાજુ પહેલી સપ્ટેમ્બરના વડા પ્રધાન મોદી એસસીઓ (SCO)ની સમિટમાં જિનપિંગ સાથે મુલાકાત પણ કરી હતી, જે ભારત અને ચીન વચ્ચે દોસ્તી અને સારા સંબંધોના સંકેત આપ્યા છે, પરંતુ ડ્રેગનની દોસ્તી ભારત માટે કદાચ ખતરારુપ બની શકે એનો અંદાજ પણ ભારતને પહેલાથી જ છે. અગાઉ ભારત સાથે ગલવાન ઘાટીમાં ઘર્ષણ હોય કે પછી ભૂતકાળમાં ચીનની દાદાગીરીને ધ્યાનમાં રાખી છે.
ગલવાન ઘાટીમાં ચીનની આર્મી સાથેનું ઘર્ષણ ભૂલી શકાય નહીં
ચીનની ભવ્ય મિલિટરી પરેડમાં ભારતની ગેરહાજરી એ મોદીની સમજી-વિચારીને ભરવામાં આવેલું વ્યૂહાત્મક પગલું છે. આ પરેડમાં સામેલ થવાનો અર્થ એ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સમર્થન માનવામાં આવે છે. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સામે જ 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ થયું હતું, જેમાં 20 ભારતીય સૈનિક શહીદ પણ થયા હતા.
પાકિસ્તાનને પણ સમર્થનને પણ અવગણી શકાય નહીં
ચીન સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનને સીધો સહકારની પણ કેન્દ્ર સરકાર અવગણના કરી શકે નહીં. ઓપરેશન સિંદૂર વખતે પણ ચીને પાકિસ્તાનને ટેકો આપીને ભારતને નારાજ કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચીને પાકિસ્તાનને 81 ટકા હથિયાર આપ્યા છે, જેનો ઉપયોગ ખાસ કરીને ભારતની સામે કરવામાં આવે છે.
ભારતે પરોક્ષ રીતે જાપાન અને અમેરિકાને પણ મેસેજ
ચીનની આર્મી પરેડમાં પીએમ મોદીએ અંતર રાખીને દુનિયાને મેસેજ આપ્યો છે કે ચીન સાથે સંબંધો સામાન્ય છે, પરંતુ સરહદ પરના વણસેલા સંબંધોને અવગણી શકે નહીં, જ્યારે દુશ્મન દેશ પાકિસ્તાનને સીધો સહકાર આપવા મુદ્દે નારાજગી બતાવી છે. બીજી બાજુ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના આત્મ સમર્પણની યાદમાં ચીન દ્વારા દર વર્ષે ત્રીજી સપ્ટેમ્બરના આર્મી પરેડ યોજે છે, જેનો જાપાનમાં પણ નેગેટિવ મેસેજ જાય છે. ભારતે પોતાના મહત્ત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારને પણ નારાજ કરવાથી પણ બચ્યું છે. બીજી બાજુ અમેરિકા પણ ચીન-રશિયા અને ઉત્તર કોરિયાના પ્રમુખની એક મંચ પર હાજરીથી નારાજ થયું છે અને મેસેજ પણ આપ્યો છે.
