‘પવિત્ર રિશ્તા’ ફેમ 38 વર્ષીય અભિનેત્રી પ્રિયા મરાઠેનું નિધન, શું થયું નાની ઉંમરમાં?
મુંબઈમાં આવેલા નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ, ટીવી અને બોલિવૂડ કલાકારોમાં શોકની લાગણી

મુંબઈઃ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી સૌથી મોટા આઘાતજનક સમાચાર મળ્યા છે. જાણીતા ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની નાની વયે નિધન થયું છે. લાંબા સમયથી કેન્સરથી પીડિત હતી. રવિવારે મીરા રોડ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા
પ્રિયાનો જન્મ 23 એપ્રિલ 1987માં થયો હતો, જ્યારે ઉછેર અને એજ્યુકેશન પણ મુંબઈમાં થયું છે. અભ્યાસ પૂરો કર્યા પછી એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું અને પોતાના સપના પૂરા કર્યા હતા. પ્રિયા મરાઠે અભિનેત્રી તરીકે નામ કમાવવાની સાથે સ્ટેન્ડ અપ કોમેડિયન પણ હતી અને દમદાર અભિનયથી પોતાના ચાહકોના દિલ જીત્યા હતા.
પ્રિયા મરાઠેએ મરાઠી સિરિયલ ‘યા સુખાનોયા’ અને ‘ચાર દિવસ સાસુચે’થી ટીવી સિરિયલની જર્ની શરુ કરી હતી. એના પછી બાલાજી ટેલિફિલ્મ્સમાં ‘કસમ સે’ શોમાં વિદ્યા બાલીના કેરેક્ટરમાં કામ કર્યું હતું. કોમેડી સર્કસની પહેલી સિઝનમાં પણ કામ કર્યું હતું.
પ્રિયા મરાઠે જાણીતી અભિનેત્રી હતી, જેને ટેલિવિઝનની વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. લાંબા સમયથી કેન્સરગ્રસ્ત હતી, જેના નિધનને કારણે ટીવી અને બોલીવુડના કલાકારોને જોરદાર આઘાત લાગ્યો છે. પ્રિયાએ ‘પવિત્ર રિશ્તા’ સિવાય ‘સાથ નિભાના સાથિયા’ અને ‘તૂ તીથે મેં’, ‘ચાર દિવસ સાસુચે’, ‘કસમ સે’, ‘ઉતરન’, ‘ભાગ રે મન’, ‘સ્વરાજરક્ષક સંભાજી’ સહિત અનેક સિરિયલમાં કામ કર્યું હતું.
પ્રિયા મરાઠેએ છેલ્લે મરાઠી સિરિયલ ‘તુઝેચ મી ગીત ગાત આહે’માં જોવા મળી હતી. આ સિરિયલ 2024 જૂનમાં પૂરી થઈ હતી, ત્યાર પછી લગભગ એક વર્ષથી સ્ક્રીનથી દૂર રહી હતી. સોશિયલ મીડિયા પર પણ વિશેષ એક્ટિવ હતી. પ્રિયા મરાઠેના ફોલોઅર્સની સંખ્યા પણ 63,900થી વધુ છે. 11 ઓગસ્ટના છેલ્લી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર લખી હતી, જે જયપુરના આમેર ફોર્ટ પર ગઈ હતી. વ્યક્તિગત લાઈફની વાત કરીએ તો 2012માં શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર બંનેએ પોતાના ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા.
